Sunday, January 9, 2011

મગજનું દહીં કરવું છે?

અર્થ વગરની, ભેજાનું ભોપાળું કાઢતી ગેમ્સ રમીને થાક્યા હો અને સાચા અર્થમાં મગજનું દહીં કરતી હલકીફૂલકી ગેમ્સ રમવા માગતા હો તો અચૂક જોવા જેવી છે આ સાઇટ...
પહેલાં થોડાક સવાલોનો મારો સહન કરો - પાંચ વત્તા બે કેટલા થાય? છ ઓછા ત્રણ? બાર ભાગ્યા ચાર? અકળાયા? થોડી ધીરજ ધરો. તમે દિવસમાં કેટકેટલાય જાણ્યા અજાણ્યા લોકોને મળો છે, એ બધા તમને એમનાં વિઝિટિંગ કાર્ડ આપે છે, દિવસના અંતે, એ કાર્ડ જોઈને તમે એ વ્યક્તિનો ચહેરો યાદ કરી શકો છો? આ શું માંડ્યું છે એવું લાગે છે? હજી થોડી ધીરજ ધરો. તમને અંગ્રોજીના ત્રણ અક્ષર આપવામાં આવે એમાંથી તમે ફટાફટ કેટલા શબ્દો બનાવી શકો? હજી એક સવાલ - તમને વિડિયો ગેમ્સ ગમે છે? ઓકે ઓકે, આ જરા હદ થઈ જાય એવો સવાલ આવી ગયો, સોરી.
પણ મુદ્દાની વાત એટલી કે આટલે સુધી વાંચતાં હાંફી ગયા? મગજનું દહીં થઈ ગયું? તો હવે વિચારો કે આવી બધી, નાની અમથી, ટચૂકડી જ, પણ મસ્ત મજાની ગેમ્સ તમને રમવી ગમે? જવાબ હામાં જ હોવાનો એ તો નક્કી છે, પણ વાત અહીં જ શરૂ થાય છે.
ઘરમાં કમ્પ્યૂટર અને નેટ કનેક્શન ધરાવતાં મોટા ભાગનાં માબાપની પહેલી ફરિયાદ એ જ હોય છે કે છોકરાં નેટ પર ગેમ્સ રમવામાંથી ઊંચાં આવતાં નથી (પોતે ઓફિસમાં બોસની નજર ચૂકવીને સોલિટેર રમી લે એનો વાંધો નહીં!). ફરિયાદ જોકે ખોટી પણ હોતી નથી કેમ કે ગેમ માત્ર બે ઘડી મજા ખાતર રમાય ત્યાં સુધી વાંધો નહીં, પણ એનું એડિક્શન ન થવું જોઈએ. ઘણી ખરી વિડિયો ગેમ્સ કે નેટ ગેમ્સથી આંખોને તકલીફ પહોંચે પણ દિમાગને કસરત મળતી નથી એ વાત પણ સાચી.
મુખ્ય સવાલ તો એ જ છે કે એ બધી ગેમ્સ રમ્યા પછી શું? તમારી મેમરી વધે? તમારું મગજ શાર્પ થાય? તમારું ધ્યાન કેન્દ્રિત થાય? તમે કામમાં વધુ ફોકસ્ડ એપ્રોચ અપનાવી શકો? તમારી સામે જે સ્થિતિ સર્જાય તેમાંથી તમે ફટાફટ માર્ગ શોધતાં શીખી શકો? આ બધા સવાલનો જવાબ પણ હા હોઈ શકે છે! નેટ પર ગેમ્સ રમીને તમે મગજ કસી શકો છો, તમે બુદ્ધિને તેજ બનાવી શકો છો!
પણ એક શરત છે, તમારે ગેમ્સ રમવા માટે લુમોસિટી (www.lumosity.com) જવું પડે.
શું છે આ લુમોસિટી? સીધોસાદો ને સહેલો જવાબ આપવામાં મગજનું દહીં થઈ જાય એમ છે. ટૂંકમાં એમ કહી શકાય કે કેટલાક ખરેખરા ભેજાબાજોએ ભેગા થઈને, દુનિયાભરના લોકોનો બુદ્ધિઆંક ઊંચે લઈ જવાની વૈજ્ઞાનિક કસરત આદરી છે અને એનું પરિણામ છે આ લુમોસિટી. આ સાઇટ પર અનેક નાની નાની, હેતુપૂર્વક તૈયાર કરાયેલી, સાયન્ટીફિકલી ડિઝાઇન્ડ બ્રેઇન ગેમ્સ છે, જે રમીને તમે તમારી વિવિધ આવડત ચકાસી શકો છો. આ ગેમ્સ વારંવાર રમીને, તમારા સ્કોર સરખાવતા રહીને તમે તમારું લેવલ કેટલું અપ (કે ડાઉન!) ગયું એ પણ તપાસી શકો છો.
સાઇટ પર વિવિધ કોર્સ પણ આપેલા છે. બેઝિક ટ્રેનિંગ, મેમરી બૂસ્ટ, સ્પીડ બૂસ્ટ, પ્રોબ્લેમ સોલ્વિંગ બૂસ્ટ વગેરે કોર્સમાં ભાગ લઈને, જે તે કોર્સને અનુરૂપ ગેમ્સ રમીને તમે તમારા મગજને વધુ કેળવી શકો છો (આ કેવું મજાનું, કોર્સમાં એડમિશન લઈને અંતે તો ગેમ જ રમવાની!)
તમે બુદ્ધિશાળી હશો તો પહેલો સવાલ એ થયો હશે કે આપણું મગજ તેજ કરવા માટે બીજા લોકો પોતાના મગજનું દહીં શા માટે કરે  એ પણ મફતમાં? જવાબ એ છે કે અહીં બધું સાવ મફતમાં નથી. તમે આ સાઇટ પર જઈને તમારું એકાઉન્ટ ક્રિએટ કર્યા વિના પણ ઘણું કરી શકો છો, એકાઉન્ટ ક્રિએટ કરીને બેઝિક ફ્રી મેમ્બરશીપ મેળવી શકો છો અને તમારા મગજનું એસેસમેન્ટ કરવું હોય, વધુ ઊંડા ઊતરવું હોય તો પ્રીમિયમ મેમ્બરશીપ ખરીદી શકો છો. અત્યારે સાઇટ પર તમે મફત એકાઉન્ટ ક્રિએટ કરો તો સાત દિવસની પ્રીમિયમ મેમ્બરશીપની ટ્રાયલ ફ્રી મળે છે.
છતાં, ગજવું હળવું કરીને મગજ ભારે કરવાનો શોખ ન હોય તોય, મફતમાં પણ આ સાઇટમાં ઘણી મજા પડે એવું છે. સાઇટ પરની ગેમ્સ રમશો પછી સમજાશે કે પાંચ વત્તા છ કેટલા એટલું વિચારતાં પણ ક્યારેક મગજ બહેર મારી જાય છે. એને ટકોરાબંધ કરવું હોય તો સાઇટ સરસ છે.
હવે એક છેલ્લો સવાલ  આવી અફલાતૂન સાઇટ સર્જવાનો વિચાર કોને આવ્યો હશે, વિચારી શકો છો? યસ્સ, એક ભારતીયનું ભેજું આ સાઇટની મેનેજમેન્ટની ટીમમાં ટોપ પર છે!

Wednesday, December 22, 2010

ક્રેડિટ કાર્ડ કેવી રીતે બને?

ખબર નથી  પડતી કે ક્યાં, કોણે, શું ભૂલ કરી, પણ  સ્થિતિ એવી આવીને ઊભી છે કે આપણે વેકેશન સિવાયના ભાગમાં સ્કૂલના ક્લાસરૂમમાં થતી પ્રવૃત્તિને જ શિક્ષણ ગણવાનું શરૂ કરી દીધું છે. એક્ઝામ પૂરી થાય ત્યાં સુધીમાં તો શિક્ષકો, માબાપ ને છોકરાં સૌ કોઈ આ કહેવાતા શિક્ષણથી ત્રાહિમામ પોકારી ઊઠે અને મલ્ટીપ્લેક્સ કે મોલ કે હિલ સ્ટેશન તરફ દોટ મૂકે. આ ગાળામાં એક્સ્ટ્રા એક્ટિવિટીનો બિઝનેસ બરાબર ફૂલે ફાલે, પણ ભણવાની વાત કરો તો સૌ નાકનું ટીચકું ચઢાવે. એવું જોખમ વહોરીને પણ, થોડી વાત ક્લાસરૂમ સિવાયના એજ્યુકેશનની કરીએ, આ વેકેશનમાં!
 
આ લખનાર  સહિત, આપણે આપણી જિજ્ઞાસા નક્કી મારી નાખી છે, નહીંતર, આઇસક્રીમનો કોન ખાતી વખતે આ કોન કેવી રીતે બનતો હશે?’ એવો સવાલ કેમ જાગતો નહીં હોય? આઇપીએલમાં બેટ્સમેન ચોગ્ગો મારે ત્યારે દડો બાઉન્ડ્રી પર પહોંચે એ સાથે ત્યાં મૂકેલા એલસીડી સ્ક્રીન પર જાહેરાત ઝબૂકવા લાગે એ જોઈને, એલસીડી સ્ક્રીન કેમ અને કેવા રો મટીરીયલમાંથી બનતા હશે એવું કૂતુહલ કેમ જાગતું નહીં હોય?

આવા સવાલો  કદાચ ઉઠતા પણ હશે, પણ ઉડાઉ, ઉપરછલ્લા કે અધકચરા જવાબો સાંભળી સાંભળીને  આપણે સવાલો કરવાનું છોડી દીધું હોય એવું પણ બને!

હવે તમે આ સ્થિતિ ઉલટાવી શકો છો, આ વેકેશનમાં. www.madehow.com સાઇટ પર જગતભરની અસંખ્ય ચીજવસ્તુઓ કેવી રીતે બને છે એની પાર વગરની માહિતીનો ભંડાર ભર્યો છે. નાના દીકરા કે દીકરીની જિજ્ઞાસા સારી રીતે સંતોષવા માગતા મમ્મીપપ્પાથી માંડીને એન્જિનીયરિંગના સ્ટુડન્ટ્સ કે નિવૃત્ત થયા પછી પણ શિક્ષકપણું જાળવી રાખનારા અધ્યાપકો સુધીના સૌ કોઈને મજા પડી જાય એટલી વિગતવાર માહિતી આ સાઇટ પર છે.

ટૂંકમાં, આ સાઇટ પર કુલ સાત વોલ્યુમમાં એથી ઝેડ સુધીની, એરબેગ, એસી, કાર, ચોક, ચીઝ, ચ્યૂઈંગ ગમ, સિક્કા, સીડી, ક્રેડિટ કાર્ડ, એન્જિન, હેલિકોપ્ટર, લેસર પોઇન્ટર, એલસીડી, પુસ્તક, ન્યૂક્લીયર સબમરીન, રંગ, વગેરે વગેરે સંખ્યાબંધ ચીજવસ્તુઓનો ઇતિહાસ, એને બનાવવા માટે જરૂરી રો મટીરીયલ, ઉત્પાદનની પ્રક્રિયાની સાદી સમજ તેમ જ વધારાના સંદર્ભ આપવામાં આવ્યા છે. બ્લોગની જેમ, અહીં લેખના અંતે વાચકો પોતાના અભિપ્રાય આપી શકે છે. જેમ કે, બોલબેરિંગ વિશેના લેખના અંતે એક એન્જિનીયરિંગના સ્ટુડન્ટ અને બોલબેરિંગ કંપનીમાં તાજા જ જોડાયેલા એવા બે ભારતીય વાચકોએ લખ્યું છે કે આ લેખ એમને બહુ ઉપયોગી લાગ્યા.

સાઇટનું સ્ટ્રક્ચર બ્લોગ પ્રકારનું જ છે અને વિઝયુઅલી  બિલકુલ આકર્ષક નથી, પણ અહીં જે મહત્ત્વ છે એ ટેક્સ્ટનું જ છે. અલબત્ત, જે તે ઉત્પાદન પ્રક્રિયા સમજવામાં મદદરૂપ થાય એવા ચાટર્સ સામેલ છે. જે તે વિષયમાં થોડા વધુ ઊંડા ઊતરવું હોય તો એ લેખ વિશેના ફોરમમાં તમે જઈ શકો છો. ત્યાં તમે તમારા પ્રશ્નો પૂછી શકો કે બીજાના સવાલજવાબમાં ખાંખાંખોળાં કરી શકો.

ખાટલે મોટી ખોડ એ છે કે આ સાઇટ તૈયાર કરનાર  કંપની કે તેના માહિતી સ્ત્રોત વિશે લગભગ કોઈ ઉલ્લેખ નથી. થોડી ખણખોદ પછી એટલી ખબર પડી કે એડવામેગ નામની એક અમેરિકન કંપની આ પ્રકારની ઇન્ફર્મેશન ડેટાબેઝ ધરાવતી જુદી જુદી ઘણી સાઇટ તૈયાર કરે છે અને એમાંની એક સાઇટ www.city-data.com અમેરિકાની ટોચની ૧૦૦ સૌથી મોટી સાઇટ્સમાંની એક છે.

 વેકેશનમાં પણ  કંઈક નવું શીખવાજાણવાની ધગશ જીવતી રાખવી હોય તો સરસ સાઇટ છે