થોડાં વર્ષ પહેલાં, ‘ઇન્ટરનેટ' શબ્દે જેટલો રોમાંચ જગાવ્યો હતો એટલી જ ચર્ચા છેલ્લા થોડા સમયથી ‘બ્લોગ' શબ્દે જગાવી છે. એટલી હદે કે વિદેશોમાં લખાતા કેટલાક બ્લોગ તો વાચકોની સંખ્યા બાબતે રાષ્ટ્રીય અખબારો સાથે હરીફાઈ કરવા લાગ્યા છે. આખરે છે શું આ બ્લોગ, બ્લોગિંગ અને બ્લોગર?
બ્લોગ શબ્દ જન્મ્યો છે વેબલોગમાંથી, જેનો સાદો અર્થ છે વેબ પર લખાતી ડાયરી. તમે કોઈ પણ વિષય વિશેના તમારા વિચારો, ફોટોગ્રાફ, વીડિયો વગેરે કંઈ પણ આખી દુનિયાને બતાવવા ઇચ્છતા હો તો અત્યારે સૌથી સહેલો ઉપાય છે તમારો પોતાનો બ્લોગ લખવાનો. વેબસાઇટ બનાવવા અંગેની કોઈ પણ ટેકનિકલ જાણકારી વિના, કોઈ પણ વ્યક્તિ સહેલાઈથી પોતાનો બ્લોગ શરૂ કરીને, બ્લોગર બની શકે છે. આમ તો સંખ્યાબંધ સાઇટ્સ મફત બ્લોગિંગની સેવા આપે છે, પણ વર્ડપ્રેસ અને ગૂગલની બ્લોગર બ્લોગર્સમાં હોટ ફેવરિટ છે.
તમે યાહૂ, રીડીફ કે જીમેઇલમાં ઇમેઇલ એકાઉન્ટ ખોલાવો એટલી જ સહેલાઈથી આ સાઇટ્સ પર જઈને પોતાનો બ્લોગ શરૂ કરી શકો છો. પછી જેમ કોઈને ઇમેલ લખીને મોકલો, એ જ રીતે તમારા વિચાર તમારા બ્લોગ પર પોસ્ટ કરી શકો. તમારા મિત્રો-સ્વજનોને તમારા બ્લોગનું એડ્રેસ આપી દો એટલે એ તમારા બ્લોગની મુલાકાત લેતા થઈ જાય. તમારા લખાણ વિશે તમારા વાચકને કંઇ કહેવું હોય તે એ ત્યાં ને ત્યાં, તરત પોતાની કમેન્ટ ઉમેરી શકે. એ તમે વાંચો, એનો જવાબ આપો... અને આમ શરૂ થઈ જાય દુનિયાભરના ખૂણેખાંચરે વસતા લોકોને સાંકળતો એક સરસ, લાઇવ સંબંધ.
ટેક્નોરેટી નામની સાઇટ દુનિયાઆખીના બ્લોગ્સ પર નજર રાખે છે અને ટોપ પોસ્ટ્સ તારવીને, તમારી સમક્ષ મૂકે છે. આ ટેક્નોરેટી કહે છે કે હાલમાં તે એક અબજ ૧૩ કરોડ જેટલા બ્લોગ પર નજર રાખે છે ને રોજ પોણા બે લાખ જેટલા નવા બ્લોગ ઇન્ટરનેટ પર ઉમેરાય છે! એક વાચક તરીકે, બ્લોગ એક અત્યંત વિશાળ પુસ્તકાલયની ગરજ સારે છે ને તમારા રસના વિષયના ખરા નિષ્ણાતોના બ્લોગ શોધી શકો તો પછી ખરો જલસો છે. સામાન્ય, સ્થાનિક નાગરિકે લખેલા બ્લોગ બહારના પત્રકાર કરતાં વધુ ધારદાર હોય છે, જે સૂનામી જેવી આફત વખતે પુરવાર થયું.
બ્લોગ લખવાની પણ આગવી મજા છે. ઘણા વાચકોને અનુભવ હશે કે તેમની કલમને અખબારના પાને પહોંચાડવામાં મોટા ભાગે નિષ્ફળતા મળે છે. જ્યારે બ્લોગિંગમાં તો તમે જ લેખક અને તમે જ તંત્રી! થોડા સમય પહેલાં સમાચાર હતા કે સ્પેનનાં એક દાદીમાએ ૨૦૦૬માં ૯૫ વર્ષની વયે બ્લોગિંગ શરૂ કર્યું અને અત્યારે ૬૦,૦૦૦ જેટલા નિયમિત વાચકો સાથે ચાલતી અલકમલકની વાતોથી એમને રીતસર નવું જીવન મળ્યું છે! આ દાદીમા સ્પેનિશ ભાષામાં લખે છે, તમે ગુજરાતીમાં લખી શકો.
No comments:
Post a Comment