બ્લોગ વિશે ઘણું બધું સાંભળ્યા પછી, તમને પણ પોતાનો એક બ્લોગ બનાવવાની ઇચ્છા થઈ છે? સરસ. અત્યાર સુધી મોટા ભાગે તમારી પાસે બે વિકલ્પ હતા - વર્ડપ્રેસ અથવા બ્લોગર. આ ખૂબ લોકપ્રિય વિકલ્પો વિશે થોડી ફટાફટ વાત કરીને, ત્રીજા એક બહુ ઓછા જાણીતા પણ અદભુત, અફલાતૂન વિકલ્પની વાત કરીએ.
આ બંને સર્વિસ ખરેખર ઘણી સરળ હોવા છતાં, ઘણા લોકોને આટલું કરવું એ પણ ગૂંચવણભર્યું લાગે એ સ્વાભાવિક છે. તમે જો આ પ્રકારના લોકોમાંના હો તો એક સાદો સવાલ - તમને ઇમેઇલ કરતાં આવડે છે? તો હવે જેની વાત કરવાની છે એ ત્રીજા વિકલ્પ (www.posterous.com)ની મદદથી તમે તમારો પોતાનો બ્લોગ શરૂ કરી શકો છો!
હા, તમારે બીજું કશું જ કરવાની જરૂર નથી. ફક્ત post@posterous.com એડ્રેસ પર કશુંક પણ લખીને મેઇલ મોકલી દો. તરત જ એ સર્વિસ પરથી તમને રીપ્લાય મળશે, જેમાં, તમે મોકલેલા લખાણ સાથેના તમારા નવા બ્લોગની લિંક હશે! પછી તમે ઇચ્છો એ પ્રમાણે તમારા બ્લોગનું નામ નક્કી કરો, તમારો પાસવર્ડ નક્કી કરો, ફુરસદે ડિઝાઇનમાં સુધારવધારા કરો... આ બધું ઇચ્છો ત્યારે કરો, પણ પછી જ્યારે પણ તમને બ્લોગ પર નવું લખાણ મૂકવાનું મન થાય ત્યારે એ લખાણનો એક મેઇલ, પહેલી વારની જેમ, મોકલી દેવાનો. મેઇલની અંદર જ તમારું લખાણ મૂકો તો વધુ સારું, બાકી ઇચ્છો તો તમે વર્ડ, પાવરપોઇન્ટ, પીડીએફ, જેપીસી, જીફ, પીએનજી અને વિડિયો કે ઓડિયો જેવી ફાઇલ પણ એટેચ કરી શકો છો. પોસ્ટરસની સર્વિસ તેને ફોગ્ય ફોર્મેટમાં ફેરવીને તમારા બ્લોગમાં મૂકી દેશે. તમે ઓડિયો કે વિડિયો ફાઇલ એટેચ કરી હશે તો તમારા બ્લોગ પર તેનું પ્લેયર મૂકી આપશે, તમારા મુલાકાતીઓ તેને સાંભળી કે જોઇ શકશે. તમે યુટ્યૂબના વિડિયોની લિંક આપી હશે તો તેનું પણ પ્લેયર ગોઠવી આપશે. તમે એકથી વધુ ફોટોગ્રાાફ એટેચ કર્યા હશે તો જરૂર મુજબ રીસાઇઝ કરીને તેની ગેલેરી બનાવી દેશે. તમારે તો બસ, ઇમેઇલ દ્વારા હુકમ કરવાનો, બાકીનું બધું કામ આ જીન કરી આપશે!
બ્લોગ શરૂ કરવા વિશે કશું જ જાણતા ન હોય, પણ ફક્ત ઇમેઇલ કરતાં આવડતું હોય તો આ સર્વિસ ખરેખર તમારે કામની છે. અલબત્ત, સાઇટ પર પૂછાતા સવાલોના જવાબ આપવા જેટલું ઈંગ્લિશ આવડવું જરૂરી છે.
અને હા, વાત અહીં પૂરી થતી નથી.
આ સાઇટ માત્ર બ્લોગિંગ પૂરતી સીમિત નથી. તમે તેની ઓટોપોસ્ટ સર્વિસનો ઉપયોગ કરીને તમારી પોસ્ટને એક સાથે ફેસબુક, ટિ્વટર, લિંક્ડઇન, ગૂગલ બઝ, બ્લોગર, વર્ડપ્રેસ, ફ્લિકર, પિકાસા, યુટ્યૂબ વગેરે પર પણ જે તે સર્વિસને અનુરૂપ સ્વરૂપમાં પોસ્ટ કરી શકો છો. તમે બીજી સાઇટ્સ સર્ફ કરતા હો ત્યારે જે ટેક્સ્ટ, ફોટો, વગેરે ગમી જાય તેને એક ક્લિકથી તમારા બ્લોગ પર મોકલી દેવાની સગવડ પણ આમાં છે! આ બધું જ અત્યારે ફ્રી છે, ભવિષ્યમાં નવી પેઇડ સર્વિસ ઉમેરાશે, પણ જરૂરી બધું મફત રહેશે.
તો હવે મળીએ પોસ્ટરસ પર પણ!
No comments:
Post a Comment