એ ડોક્યુમેન્ટરી માટે થયેલા રિસર્ચને આધારે એક ઇન્ટરએક્ટિવ વેબસાઇટ પણ બની, જે આપણે અને ભાવિ પેઢી જ્યારે ઇચ્છશે ત્યારે એક્સેસ કરી શકશે, તેના પર પોતાનો મત આપી શકશે, માઇકલ વૂડ સાથે ચર્ચા ચલાવી શકશે, ને પોતાના અનુભવો પણ ઉમેરી શકશે!



આ કમાલ છે, કમ્યુનિકેશનનાં માધ્યમોની સતત વધતી ક્ષમતાની. ભારતની ભવ્ય ગાથા માંડતી આ વેબસાઇટ વિષયને કારણે તો માણવાલાયક છે જ, પણ ઇન્ફર્મેશન ટેક્નોલોજી કેવી આગળ વધતી જાય છે એ સમજવા અને ખાસ તો, વિવિધ માહિતીને પરસ્પર સાંકળીને કેટલી રસપ્રદ રીતે રજૂ કરી શકાય એ જાણવા માટે પણ આ વેબસાઈટ જોવી રહી.
ભારતને ભાવિ સુપરપાવર તરીકે સ્વીકારીને, આ તાકાત ક્યાંથી જન્મી એ જાણવા માઇકલ વૂડે ખરેખરું ભારતભ્રમણ કરીને ભારતનો ૧૦,૦૦૦ વર્ષ જૂનો ઇતિહાસ ફંફોસ્યો છે. એ દરમિયાન જે ભાથું ભેગું થયું તેમાંથી ડોક્યુમેન્ટરી ફિલ્મ બની અને માહિતીસભર વેબસાઇટ પણ સર્જાઈ. વેબસાઇટ મુખ્યત્યે ડોક્યુમેન્ટરી ફિલ્મ વિશેની હોવા છતાં, એમાં ભારત વિશેની અનેકવિધ, અનેક માટે અજાણી માહિતી વણી લેવાઈ છે. આ બધું જ એક પુસ્તક અને ડીવીડીમાં પણ ઉપલબ્ધ છે.
સાઇટ પર ભારતના ઇતિહાસની વિગતવાર ટાઇમલાઇન આપવામાં આવી છે. જેમાં વિવિધ વિષય હેઠળ, ભારતમાં કયા વર્ષમાં શું બન્યું તે જાણવા મળે છે. જે તે શીર્ષક પર ક્લિક કરતાં વિશે વધુ માહિતી મળે. એક સરસ ઇન્ટરએક્ટિવ ફોટોગેલરી છે, જેમાં જે તે ફોટોગ્રાફ પર ક્લિક કરતાં તેના વિશે ભરપૂર માહિતી મળે છે. એક વિભાગમાં, માઇકલ વૂડને આ ફિલ્મના સર્જન દરમિયાન ભારતમાં જે અનુભવો થયા તેના નાના વિડિયોઝ છે. ચાહો તો તમે માઇકલ વૂડને કોઈ પ્રઁ પણ પૂછી શકો છો. અહીં લોકો ભારત વિશેના તેમના અનુભવો પોસ્ટ કરી શકે છે. શિક્ષકો માટે ક્લાસરૂમમાં ઉપયોગી થાય તેવા રિસોર્સીઝ પણ સામેલ છે.
માઇકલ વૂડે ભારતનું કેવું ચિત્રણ આપ્યું છે, તે તટસ્થ રહ્યા છે કે કેમ વગેરે વગેરે પ્રશ્નો આ સાઇટમાં વધુ ઊંડા ઊતરીએ કે ફિલ્મ જોઈએ ત્યારે ખબર પડે, પણ પહેલી નજરે, કોઈ પણ ભારતીયને ગૌરવની લાગણી થાય એવી તો આ સાઇટ જરૂર છે.
આખી વાતમાં ગુજરાતી એંગલ એ કે `સ્ટોર ઑફ ઇન્ડિયા'ને શક્ય બનાવવામાં યુકેસ્થિત, મૂળ ગુજરાતી એવા એક ઉદ્યોગપતિ પરિવારનો સિંહફાળો છે!