Wednesday, December 22, 2010

ક્રેડિટ કાર્ડ કેવી રીતે બને?

ખબર નથી  પડતી કે ક્યાં, કોણે, શું ભૂલ કરી, પણ  સ્થિતિ એવી આવીને ઊભી છે કે આપણે વેકેશન સિવાયના ભાગમાં સ્કૂલના ક્લાસરૂમમાં થતી પ્રવૃત્તિને જ શિક્ષણ ગણવાનું શરૂ કરી દીધું છે. એક્ઝામ પૂરી થાય ત્યાં સુધીમાં તો શિક્ષકો, માબાપ ને છોકરાં સૌ કોઈ આ કહેવાતા શિક્ષણથી ત્રાહિમામ પોકારી ઊઠે અને મલ્ટીપ્લેક્સ કે મોલ કે હિલ સ્ટેશન તરફ દોટ મૂકે. આ ગાળામાં એક્સ્ટ્રા એક્ટિવિટીનો બિઝનેસ બરાબર ફૂલે ફાલે, પણ ભણવાની વાત કરો તો સૌ નાકનું ટીચકું ચઢાવે. એવું જોખમ વહોરીને પણ, થોડી વાત ક્લાસરૂમ સિવાયના એજ્યુકેશનની કરીએ, આ વેકેશનમાં!
 
આ લખનાર  સહિત, આપણે આપણી જિજ્ઞાસા નક્કી મારી નાખી છે, નહીંતર, આઇસક્રીમનો કોન ખાતી વખતે આ કોન કેવી રીતે બનતો હશે?’ એવો સવાલ કેમ જાગતો નહીં હોય? આઇપીએલમાં બેટ્સમેન ચોગ્ગો મારે ત્યારે દડો બાઉન્ડ્રી પર પહોંચે એ સાથે ત્યાં મૂકેલા એલસીડી સ્ક્રીન પર જાહેરાત ઝબૂકવા લાગે એ જોઈને, એલસીડી સ્ક્રીન કેમ અને કેવા રો મટીરીયલમાંથી બનતા હશે એવું કૂતુહલ કેમ જાગતું નહીં હોય?

આવા સવાલો  કદાચ ઉઠતા પણ હશે, પણ ઉડાઉ, ઉપરછલ્લા કે અધકચરા જવાબો સાંભળી સાંભળીને  આપણે સવાલો કરવાનું છોડી દીધું હોય એવું પણ બને!

હવે તમે આ સ્થિતિ ઉલટાવી શકો છો, આ વેકેશનમાં. www.madehow.com સાઇટ પર જગતભરની અસંખ્ય ચીજવસ્તુઓ કેવી રીતે બને છે એની પાર વગરની માહિતીનો ભંડાર ભર્યો છે. નાના દીકરા કે દીકરીની જિજ્ઞાસા સારી રીતે સંતોષવા માગતા મમ્મીપપ્પાથી માંડીને એન્જિનીયરિંગના સ્ટુડન્ટ્સ કે નિવૃત્ત થયા પછી પણ શિક્ષકપણું જાળવી રાખનારા અધ્યાપકો સુધીના સૌ કોઈને મજા પડી જાય એટલી વિગતવાર માહિતી આ સાઇટ પર છે.

ટૂંકમાં, આ સાઇટ પર કુલ સાત વોલ્યુમમાં એથી ઝેડ સુધીની, એરબેગ, એસી, કાર, ચોક, ચીઝ, ચ્યૂઈંગ ગમ, સિક્કા, સીડી, ક્રેડિટ કાર્ડ, એન્જિન, હેલિકોપ્ટર, લેસર પોઇન્ટર, એલસીડી, પુસ્તક, ન્યૂક્લીયર સબમરીન, રંગ, વગેરે વગેરે સંખ્યાબંધ ચીજવસ્તુઓનો ઇતિહાસ, એને બનાવવા માટે જરૂરી રો મટીરીયલ, ઉત્પાદનની પ્રક્રિયાની સાદી સમજ તેમ જ વધારાના સંદર્ભ આપવામાં આવ્યા છે. બ્લોગની જેમ, અહીં લેખના અંતે વાચકો પોતાના અભિપ્રાય આપી શકે છે. જેમ કે, બોલબેરિંગ વિશેના લેખના અંતે એક એન્જિનીયરિંગના સ્ટુડન્ટ અને બોલબેરિંગ કંપનીમાં તાજા જ જોડાયેલા એવા બે ભારતીય વાચકોએ લખ્યું છે કે આ લેખ એમને બહુ ઉપયોગી લાગ્યા.

સાઇટનું સ્ટ્રક્ચર બ્લોગ પ્રકારનું જ છે અને વિઝયુઅલી  બિલકુલ આકર્ષક નથી, પણ અહીં જે મહત્ત્વ છે એ ટેક્સ્ટનું જ છે. અલબત્ત, જે તે ઉત્પાદન પ્રક્રિયા સમજવામાં મદદરૂપ થાય એવા ચાટર્સ સામેલ છે. જે તે વિષયમાં થોડા વધુ ઊંડા ઊતરવું હોય તો એ લેખ વિશેના ફોરમમાં તમે જઈ શકો છો. ત્યાં તમે તમારા પ્રશ્નો પૂછી શકો કે બીજાના સવાલજવાબમાં ખાંખાંખોળાં કરી શકો.

ખાટલે મોટી ખોડ એ છે કે આ સાઇટ તૈયાર કરનાર  કંપની કે તેના માહિતી સ્ત્રોત વિશે લગભગ કોઈ ઉલ્લેખ નથી. થોડી ખણખોદ પછી એટલી ખબર પડી કે એડવામેગ નામની એક અમેરિકન કંપની આ પ્રકારની ઇન્ફર્મેશન ડેટાબેઝ ધરાવતી જુદી જુદી ઘણી સાઇટ તૈયાર કરે છે અને એમાંની એક સાઇટ www.city-data.com અમેરિકાની ટોચની ૧૦૦ સૌથી મોટી સાઇટ્સમાંની એક છે.

 વેકેશનમાં પણ  કંઈક નવું શીખવાજાણવાની ધગશ જીવતી રાખવી હોય તો સરસ સાઇટ છે

Tuesday, December 21, 2010

ફુરસદનો સમય પસાર કરવો છે? જાણો ‘હાઉ કેવી રીતે’?

કહે છે કે એક  ચિત્ર હજાર શબ્દની ગરજ સારે છે. આ એ જમાનાની કહેવત છે, જ્યારે વિડિયો બનાવવા કે જોવા આજના જેટલા સહેલા  નહોતા. હવે તો એમ કહેવું પડે કે એક વિડિયો હજાર ચિત્રોની ગરજ સારે છે. ગયા અઠવાડિયે આપણે કઈ ચીજવસ્તુ કેવી રીતે બને તેની વિગતવાર માહિતી આપતી સાઇટની વાત કરી હતી, પણ એમાં માત્ર શબ્દોનું રાજ હતું. જ્યારે આજે જેની વાત કરવી છે એ સાઇટ પર વિડિયોની ભરમાર છે.
જી નહીં, વાત  યુટ્યુબની નથી. વાત છે હાઉકાસ્ટની (www.howcast.com). આ સાઇટ પર, ‘હાઉ  કેવી રીતે?’ એ સવાલનો જવાબ આપે એવા ટચૂકડા, પણ પારાવાર વિડિયોઝ છે.

આ સાઇટ ગૂગલના કેટલાક ટોચના અધિકારીઓએ  ગૂગલથી છૂટા પડીને ૨૦૦૮માં શરુ કરી. એક  ભારતીય પણ આ કંપનીના સીઓઓ છે. સાઇટ પર ૨૫થી વધુ કેટેગરીના વિડિયોઝ છે.

કેટેગરીઝ પર એક ઉડતી નજર ફેરવી લઈએ  આર્ટ એન્ડ મીડિયા, બિઝનેસ એન્ડ ફાઇનાન્સ, કરિયર એન્ડ એજ્યુકેશન, કાર, ક્રાફ્ટ્સ એન્ડ હોબીઝ, એન્વાયર્નમેન્ટ, ફર્સ્ટ એઇડ, ફૂડ એન્ડ ડ્રિંક્સ, ગેમ્સ,  હેલ્થ, હોલિડે, હાઉસ એન્ડ ગાર્ડન, કિડ્સ, માઇન્ડ એન્ડ બોડી, પેરેન્ટિંગ, પર્ફોર્મિંગ આટર્સ, રીલિજીયન, સ્પિરિચ્યુઆલિટિ, રિલેશનશીપ્સ, સ્પોટર્સ એન્ડ ફિટનેસ, ટેકનોલોજી, ટીન્સ, ટ્રાવેલ્સ વગેરે વગેરે.

નાહતી વખતે તમારા કાનમાં પાણી ભરાઈ ગયું હોય  તો એને કેમ કાઢવું એ સમજવાતો વિડિયો આ સાઇટ પર છે. તો સળગતી કારમાં ફસાઇ ગયેલી વ્યક્તિને બહાર કાઢવાનો વિડિયો પણ  મળશે. પત્તાંની વિવિધ ગેમ્સ કેમ રમવી એ જાણવા મળશે તેમ હેડકી કેમ બંધ કરવી એ પણ શીખવા મળશે.  ગણિતમાં અવયવ શીખવા હોય તો એનો વિડિયો છે અને નાના બાળકને દૂધ પીવડ્યા પછી હળવો ધબ્બો મારીને ઓડકાર કેમ ખવડાવવો એનો વિડિયો પણ છે. પાલતુ કૂતરાના નખ કેમ કાપવા અને એને દવા કેમ પીવડાવવી એ સમજાવતા વિડિયો પણ છે. ‘મારે પણ એક બ્લોગ હોય’ એવું તમારું સપનું હોય તો વર્ડપ્રેસ પર બ્લોગ કેમ શરુ કરવો એ અહીં શીખી શકશો.

આટલામાંથી તમને પૂરતો અંદાજ આવી જશે કે આ સાઇટ પર તમને શું શું જાણવા મળશે! આમ તો ઇન્ટરનેટ પર વિડિયો કમ્પાઇલ અને  કેટેગરાઇઝ કરીને તમારી સમક્ષ મૂકતી અનેક સાઇટ છે, પણ આ સાઇટ બધાથી અલગ એ રીતે પડે છે કે તેમાં દરેક વિડિયો માત્ર ‘હાઉ  કેવી રીતે?’ એ એક જ પ્રશ્નના જવાબમાં બનેલા વિડિયો છે.

મોટા ભાગના  વિડિયો નાના નાના છે. હોબી અને ક્રાફ્ટ  કેટેગરીમાં નાના નાના પ્રોજેક્ટ પણ  શીરાની જેમ ગળે ઉતરી જાય એ રીતે વિડિયોમાં સમજાવેલા છે. વિડિયો બિલકુલ ટચૂકડા હોવાથી લોડ થવામાં બહુ વાર નહીં લાગે.

થોડી ફુરસદ  હોય અને એનો ઉપયોગ ‘હાઉ કેવી રીતે’ કરવો એવો પ્રશ્ન સતાવતો હોય તો એક લાખ જેટલા જવાબ આ સાઇટ પર મળશે!

Sunday, December 19, 2010

તમારો પડ્યો બોલ ઝીલવા હાજર છે બ્લોગિંગનો જીન!

બ્લોગ વિશે ઘણું બધું સાંભળ્યા પછી, તમને પણ પોતાનો એક બ્લોગ બનાવવાની ઇચ્છા થઈ છે? સરસ. અત્યાર સુધી મોટા ભાગે તમારી પાસે બે વિકલ્પ હતા - વર્ડપ્રેસ અથવા બ્લોગર. આ ખૂબ લોકપ્રિય વિકલ્પો વિશે થોડી ફટાફટ વાત કરીને, ત્રીજા એક બહુ ઓછા જાણીતા પણ અદભુત, અફલાતૂન વિકલ્પની વાત કરીએ. 

મોટા ભાગના ગુજરાતી બ્લોગ જે સર્વિસ પર ચાલે છે તે વર્ડપ્રેસમાં બ્લોગ બનાવવો હોય તો (www.wordpress.com) પર પહોંચો. તમારું ખાતું ખોલાવો, પૂછાતા સવાલોના જવાબ આપો, થીમ સિલેક્ટ કરો અને તમારો બ્લોગ તૈયાર. તમારુ એડ્રેસ આ પ્રકારનું હશે - (www.cybersafar.wordpress.com). હવે તમારે આ વચ્ચેનું વર્ડપ્રેસનું છોગું ન જોઈતું હોય અને તમારા પોતાના ડોમેઇન - જેમ કે www.cybersafar.com - પર તમારો બ્લોગ દેખાય એવું કરવું હોય તો વાત થોડી મુશ્કેલ છે. તમારે કોઈ જાણકાર શોધી, તેની પાસે તમારું ડોમેઇન રજિસ્ટર કરાવી, વેબસર્વર પર હોસ્ટિંગ માટે સ્પેસ ખરીદી, તેના પર વર્ડપ્રેસનું ઇન્સ્ટોલેશન કરાવવું પડશે. આમાં ઓછામાં ઓછો વાર્ષિક ત્રણચાર હજાર જેટલો ખર્ચ છે. પછી બ્લોગિંગ કરવાની વાત, પહેલાં જણાવ્યા જેટલી જ સરળ છે. આ પ્રકારના બ્લોગની ડિઝાઇન તમે ઇચ્છો તે રીતે બદલી શકો છો (એટલે કે કોઈ જાણકાર પાસે બદલાવી શકો છો!) 

આ મુશ્કેલ લાગતું હોય તો તમે બ્લોગર (www.blogger.com) પર જાઓ. તમારા જીમેઇલના એકાઉન્ટથી જ લોગઇન થાઓ, પૂછાતા સવાલોના જવાબ આપો, થીમ સિલેક્ટર કરો અને તમારો બ્લોગ તૈયાર. તમારા બ્લોગનું એડ્રેસ આ પ્રકારનું હશે (www.cybersafar.blogger.com). હવે જો તમારે અહીં પણ તમારા પોતાના ડોમેઇન પર બ્લોગ દેખાય તેવું કરવું હોય તો માત્ર તમારું ડોમેઇન રજિસ્ટર કરાવો (જેનો દર વર્ષે રૂા. ૫૫૦ જેટલો ખર્ચ આવે છે). બ્લોગરના સેટિંગ્સમાં જઈને તમારો બ્લોગ જે તે ડોમેઇન પર દેખાય એવું સેટિંગ કરી દો. બ્લોગિંગ અહીં પણ બિલકુલ સરળ છે.
આ બંને સર્વિસ ખરેખર ઘણી સરળ હોવા છતાં, ઘણા લોકોને આટલું કરવું એ પણ ગૂંચવણભર્યું લાગે એ સ્વાભાવિક છે. તમે જો આ પ્રકારના લોકોમાંના હો તો એક સાદો સવાલ - તમને ઇમેઇલ કરતાં આવડે છે? તો હવે જેની વાત કરવાની છે એ ત્રીજા વિકલ્પ (www.posterous.com)ની મદદથી તમે તમારો પોતાનો બ્લોગ શરૂ કરી શકો છો!

હા, તમારે બીજું કશું જ કરવાની જરૂર નથી. ફક્ત post@posterous.comThis e-mail address is being protected from spambots. You need JavaScript enabled to view it એડ્રેસ પર કશુંક પણ લખીને મેઇલ મોકલી દો. તરત જ એ સર્વિસ પરથી તમને રીપ્લાય મળશે, જેમાં, તમે મોકલેલા લખાણ સાથેના તમારા નવા બ્લોગની લિંક હશે! પછી તમે ઇચ્છો એ પ્રમાણે તમારા બ્લોગનું નામ નક્કી કરો, તમારો પાસવર્ડ નક્કી કરો, ફુરસદે ડિઝાઇનમાં સુધારવધારા કરો... આ બધું ઇચ્છો ત્યારે કરો, પણ પછી જ્યારે પણ તમને બ્લોગ પર નવું લખાણ મૂકવાનું મન થાય ત્યારે એ લખાણનો એક મેઇલ, પહેલી વારની જેમ, મોકલી દેવાનો. મેઇલની અંદર જ તમારું લખાણ મૂકો તો વધુ સારું, બાકી ઇચ્છો તો તમે વર્ડ, પાવરપોઇન્ટ, પીડીએફ, જેપીસી, જીફ, પીએનજી અને વિડિયો કે ઓડિયો જેવી ફાઇલ પણ એટેચ કરી શકો છો. પોસ્ટરસની સર્વિસ તેને ફોગ્ય ફોર્મેટમાં ફેરવીને તમારા બ્લોગમાં મૂકી દેશે. તમે ઓડિયો કે વિડિયો ફાઇલ એટેચ કરી હશે તો તમારા બ્લોગ પર તેનું પ્લેયર મૂકી આપશે, તમારા મુલાકાતીઓ તેને સાંભળી કે જોઇ શકશે. તમે યુટ્યૂબના વિડિયોની લિંક આપી હશે તો તેનું પણ પ્લેયર ગોઠવી આપશે. તમે એકથી વધુ ફોટોગ્રાાફ એટેચ કર્યા હશે તો જરૂર મુજબ રીસાઇઝ કરીને તેની ગેલેરી બનાવી દેશે. તમારે તો બસ, ઇમેઇલ દ્વારા હુકમ કરવાનો, બાકીનું બધું કામ આ જીન કરી આપશે!

બ્લોગ શરૂ કરવા વિશે કશું જ જાણતા ન હોય, પણ ફક્ત ઇમેઇલ કરતાં આવડતું હોય તો આ સર્વિસ ખરેખર તમારે કામની છે. અલબત્ત, સાઇટ પર પૂછાતા સવાલોના જવાબ આપવા જેટલું ઈંગ્લિશ આવડવું જરૂરી છે.

અને હા, વાત અહીં પૂરી થતી નથી. 

આ સાઇટ માત્ર બ્લોગિંગ પૂરતી સીમિત નથી. તમે તેની ઓટોપોસ્ટ સર્વિસનો ઉપયોગ કરીને તમારી પોસ્ટને એક સાથે ફેસબુક, ટિ્વટર, લિંક્ડઇન, ગૂગલ બઝ, બ્લોગર, વર્ડપ્રેસ, ફ્લિકર, પિકાસા, યુટ્યૂબ વગેરે પર પણ જે તે સર્વિસને અનુરૂપ સ્વરૂપમાં પોસ્ટ કરી શકો છો. તમે બીજી સાઇટ્સ સર્ફ કરતા હો ત્યારે જે ટેક્સ્ટ, ફોટો, વગેરે ગમી જાય તેને એક ક્લિકથી તમારા બ્લોગ પર મોકલી દેવાની સગવડ પણ આમાં છે! આ બધું જ અત્યારે ફ્રી છે, ભવિષ્યમાં નવી પેઇડ સર્વિસ ઉમેરાશે, પણ જરૂરી બધું મફત રહેશે.
તો હવે મળીએ પોસ્ટરસ પર પણ!

Tuesday, November 30, 2010

પુસ્તક, ટીવી સિરિયલ, ડોક્યુમેન્ટરી અને વેબસાઇટ

જવાહરલાલ નેહરુએ ૧૯૪૨-૪૬માં, જેલમાં પુસ્તક લખ્યું, `ધ ડિસ્કવરી ઑફ ઇન્ડિયા'. મોટા ભાગે આપણી આગલી પેઢીએ એ વાંચ્યું અને પછી પુસ્તક પુસ્તકાલયોમાં દટાઈ ગયું. પછી શ્યામ બેનેગલે ૧૯૮૮માં તેના આધારે ટીવી સિરિયલ બનાવી `ભારત એક ખોજ', જેને આપણે સૌએ મહિનાઓ સુધી માણી અને પછી `એવી સિરિયલ હવે જોવા મળતી નથી' એવો અફસોસ કરતા રહ્યા. એ પછી હમણાં, ઇતિહાસવિદ્ માઇકલ વૂડે બીબીસી માટે એ જ વિષય પર ૬ ભાગની ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવી `ધ સ્ટોરી ઑફ ઇન્ડિયા'.

એ ડોક્યુમેન્ટરી માટે થયેલા રિસર્ચને આધારે એક ઇન્ટરએક્ટિવ વેબસાઇટ પણ બની, જે આપણે અને ભાવિ પેઢી જ્યારે ઇચ્છશે ત્યારે એક્સેસ કરી શકશે, તેના પર પોતાનો મત આપી શકશે, માઇકલ વૂડ સાથે ચર્ચા ચલાવી શકશે, ને પોતાના અનુભવો પણ ઉમેરી શકશે!

 

આ કમાલ છે, કમ્યુનિકેશનનાં માધ્યમોની સતત વધતી ક્ષમતાની. ભારતની ભવ્ય ગાથા માંડતી આ વેબસાઇટ વિષયને કારણે તો માણવાલાયક છે જ, પણ ઇન્ફર્મેશન ટેક્નોલોજી કેવી આગળ વધતી જાય છે એ સમજવા અને ખાસ તો, વિવિધ માહિતીને પરસ્પર સાંકળીને કેટલી રસપ્રદ રીતે રજૂ કરી શકાય એ જાણવા માટે પણ આ વેબસાઈટ જોવી રહી.

ભારતને ભાવિ સુપરપાવર તરીકે સ્વીકારીને, આ તાકાત ક્યાંથી જન્મી એ જાણવા માઇકલ વૂડે ખરેખરું ભારતભ્રમણ કરીને ભારતનો ૧૦,૦૦૦ વર્ષ જૂનો ઇતિહાસ ફંફોસ્યો છે. એ દરમિયાન જે ભાથું ભેગું થયું તેમાંથી ડોક્યુમેન્ટરી ફિલ્મ બની અને માહિતીસભર વેબસાઇટ પણ સર્જાઈ. વેબસાઇટ મુખ્યત્યે ડોક્યુમેન્ટરી ફિલ્મ વિશેની હોવા છતાં, એમાં ભારત વિશેની અનેકવિધ, અનેક માટે અજાણી માહિતી વણી લેવાઈ છે. આ બધું જ એક પુસ્તક અને ડીવીડીમાં પણ ઉપલબ્ધ છે.

સાઇટ પર ભારતના ઇતિહાસની વિગતવાર ટાઇમલાઇન આપવામાં આવી છે. જેમાં વિવિધ વિષય હેઠળ, ભારતમાં કયા વર્ષમાં શું બન્યું તે જાણવા મળે છે. જે તે શીર્ષક પર ક્લિક કરતાં વિશે વધુ માહિતી મળે.  એક સરસ ઇન્ટરએક્ટિવ ફોટોગેલરી છે, જેમાં જે તે ફોટોગ્રાફ પર ક્લિક કરતાં તેના વિશે ભરપૂર માહિતી મળે છે. એક વિભાગમાં, માઇકલ વૂડને આ ફિલ્મના સર્જન દરમિયાન ભારતમાં જે અનુભવો થયા તેના નાના વિડિયોઝ છે. ચાહો તો તમે માઇકલ વૂડને કોઈ પ્રઁ પણ પૂછી શકો છો. અહીં લોકો ભારત વિશેના તેમના અનુભવો પોસ્ટ કરી શકે છે. શિક્ષકો માટે ક્લાસરૂમમાં ઉપયોગી થાય તેવા રિસોર્સીઝ પણ સામેલ છે.

માઇકલ વૂડે ભારતનું કેવું ચિત્રણ આપ્યું છે, તે તટસ્થ રહ્યા છે કે કેમ વગેરે વગેરે પ્રશ્નો આ સાઇટમાં વધુ ઊંડા ઊતરીએ કે ફિલ્મ જોઈએ ત્યારે ખબર પડે, પણ પહેલી નજરે, કોઈ પણ ભારતીયને ગૌરવની લાગણી થાય એવી તો આ સાઇટ જરૂર છે.

આખી વાતમાં ગુજરાતી એંગલ એ કે `સ્ટોર ઑફ ઇન્ડિયા'ને શક્ય બનાવવામાં યુકેસ્થિત, મૂળ ગુજરાતી એવા એક ઉદ્યોગપતિ પરિવારનો સિંહફાળો છે!
સ્ટોરી ઓફ ઇન્ડિયા માણો અહીં!

Thursday, November 25, 2010

એક અબજ લોકોનો અવાજ, ઇન્ટરનેટ પર!

સાયબરસફર'માં આપણે આપણને વ્યક્તિગત રીતે ઉપયોગી સર્વિસીઝ વિશે તો વારંવાર જાણીએ છીએ, આજે દેશની સેવા માટે પણ ઇન્ટરનેટનો કેવો સરસ ઉપયોગ થઈ શકે એ જાણીએ.

થોડા સમય પહેલાં, હિન્દુસ્તાન એરોનૉટિક્સ લિમિટેડનું કોર્પોરેટ કોમ્યુનિકેશન સંભાળનારા કેટલાક લોકો આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. કલાકમને મળવા ગયા હતા. નસીબજોગે, ડૉ. કલામ થોડી જ વાર પહેલાં એક ટીવી ઇન્ટરવ્યૂમાંથી પરત ફર્યા હતા.

સામે મીડિયા સાથે ઘરોબો ધરાવતા લોકો બેઠા છે એવો અંદાજ આવતાં જ ડૉ. કલામ વરસી પડ્યા, ‘આપણાં અખબારો ખરેખરી સફળવાની વાતોને કેમ પ્રકાશમાં લાવતાં નથી? અજાણી પ્રતિભાઓને આપણે આગળ કેમ કરી શકતા નથી? રાજકારણ, ગુનાખોરી, જાતિવાદ... આ બધું ક્યાં સુધી?'' સામે બેઠેલા લોકોએ ડૉ. કલામને સૂચન કર્યું, ‘‘તો આપણે આપની પસંદનું અખબાર શરૂ ન કરી શકીએ?'' ડૉ. કલામે તરત દોર પકડી લીધો.

કહ્યું, ‘‘ફૅન્ટાસ્ટિક, વેબપેપર થઈ શકે. ચોક્કસ!'' અને એ રીતે જન્મ થયો, ડૉ. કલામના સ્વપ્નના ભારતનો મજબૂત પાયો તૈયાર કરનારા લોકોને વિશ્વ સમક્ષ મૂકતા ઇ-પેપર બિલિયન બીટ્સ'નો. એક અબજ લોકોનો અવાજ, ઇન્ટરનેટ પર!

એનો પહેલો અંક હતો માત્ર એક પાનાનો! ડૉ. કલામને ભારતના લોકોની શક્તિમાં વિશ્ર્વાસ છે એનું આ સ્પષ્ટ ઉદાહરણ. બીજું કોઈ અખબાર શરૂ લૉન્ચ થવાનું હોય તો પહેલાં મોટા પાયે સર્વે થાય, શું વેચાશે, એના અંદાજ મુકાય, પ્રોજેક્ટ રિપોટ્ર્સ તૈયાર થાય, એનાલિસિસ થાય અને પછી વાત આગળ વધે..

અહીં તો વિચાર રજૂ થયો અને ફક્ત એક પાનાથી એનો પ્રારંભ કરી દેવામાં આવ્યો. લોકો જ એને આગળ વધારશે એવા વિશ્ર્વાસથી. ડૉ. કલામે આશા બતાવી છે કે ‘‘બિલિયન બીટ્સ છૂટાછવાયા કૌશલ્યને એક સૂત્રે પરોવશે.''

અને ખરેખર, ‘બિલિયન બીટ્સ'ના અંકો પર નજર ફેરવીએ તો સામાન્ય રીતે જેમની અને જે પ્રકારની વાતો અખબારોમાં વાંચવા નથી મળતી, એવા અજાણ્યા લોકોની અજાણી વાતો અહીં વાંચવા મળે છે. એવા લોકોની એવી વાત, જે ભારતને તે આજે છે ત્યાંથી આગળ લઈ જવા સક્ષમ હોય. ક્યાંય નિરાશાનો કોઈ સૂર નહીં.

બિલિયન બીટ્સ'ના બીજા અંકમાં લખાયું છે કે પહેલો અંક નેટ પર મૂકાયા પછી એના તંત્રીઓ પર ભારતીયોએ ઇ-મેઇલનો ધોધ વરસાવ્યો છે (બિલિયન બીટ્સ'ના તંત્રીઓ પર આપણે ભરોસો મૂકી શકીએ!) પ્રશંસા, વેદના, મીડિયાની ટીકા, ભ્રષ્ટ રાજકારણ સામેનો આક્રોશ, અપેક્ષા, સૂચન... અનેક પ્રકારના ઇમેઇલ ઠલવાયા છે બિલિયન બીટ્સના ઇનબોક્સમાં, સક્ષમ ભારતના ભાવિની આશાએ.

ઇ-પેપરની કૅચલાઇન પણ એ જ છે : ઇટ્સ પોસિબલ! બધું જ શક્ય છે! અત્યાર સુધીમાં બિલિયન બીટ્સ'ના સાત અંક તૈયાર થયા છે. તમને પણ જરા જુદા પ્રકારના વાંચનમાં રસ હોય તો પહોંચો ડૉ. કલામની સાઇટ www.abdulkalam.com પર. અહીં ડૉ. કલામ વિશે બીજું પણ ઘણું ઘણું જાણવા મળશે.

Monday, November 22, 2010

મળો ‘ઇડિયટ રૅન્ચો’ના વિદેશી અવતારને

સ્ટીમબોટ, રોકેટ, સોલાર બેટરી, હીટ એન્જિન, રેડિયો... આ બધું તમને જાતે બનાવવું ગમે? એ પણ સહેલાઈથી મળતી ચીજવસ્તુમાંથી? વિજ્ઞાનનો જબરજસ્ત રોમાંચક ખજાનો છે અહીં...
તમારામાંના બાળકને તમે જીવતું રાખ્યું હશે તો ચોમાસામાં આ મજા તમે ચોક્કસ માણી હશે (ના, પાણીના ખાબોચિયામાં મસ્તીથી કૂદકો મારવાની વાત નથી!), ભીના રસ્તા પર ઓઇલ કે પેટ્રોલડીઝલ ઢોળાતાં રચાતાં રંગબેરંગી મેઘધનૂષ જોવાની મજા! અચ્છા, એ વખતે તમારી આંગળીએ કોઈ ટાબરિયું હોય અને એ આ મેઘધન્નુ ઘરે સાથે લઈ જવાની જીદ પકડે તો? અત્યાર સુધી તમે કદાચ પ્રેમથી સમજાવી, પટાવીને ને છેવટે ધમકાવીને વાતનો અંત લાવ્યા હશો પણ હવે એવું કંઈ કરવાની જરૂર નથી.
બસ આવું જ મેઘધનુષ - પરમેનન્ટ મેઘધનૂષ ઘરે બનાવી આપીશએવું પ્રોમીસ આપો અને ઘરે આવીને તમારું રઘુવીર વચનપાળી બતાવો!
ઘરે પહોંચીને ઇન્ટરનેટ ખોલો અને પહોંચો (http://scitoys.com/) પર. આ સાઇટ પર એના નામ પ્રમાણે, વિજ્ઞાનના સિદ્ધાંત અનુસાર કામ કરતા અનેક જાતના પ્રયોગો કે રમકડાં, મોટા ભાગે ઘરમાં જ ઉપલબ્ધ ચીજવસ્તુઓથી બનાવવાની અનેક ટીપ્સનો ખજાનો છે.
પહેલી નજરે સાઇટ સાવ સામાન્ય લાગશે. ચારેતરફ ગૂગલની એડ્સની ભરમાર વચ્ચે, સાવ કોઈ શિખાઉ વ્યક્તિની જેમ મૂકેલી થોડી ટેક્સ્ટ અને એક તરફ એક લાંબુંલચક લિસ્ટ. બસ, આ લિસ્ટનું હેડિંગ તમારું ધ્યાન જકડી લેશે - સાયન્સ ટોય્ઝ ટુ કેન મેઇક વિથ યોર કીડ્ઝ!
લિસ્ટમાં મેગ્નેટિઝમ, ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ, ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી, રેડિયો, થર્મોડાયનેમિક્સ, એરોડાયનેમિક્સ, લાઇટ્સ એન્ડ ઓપ્ટિક્સ, બાયોલોજી, મેથેમેટિક્સ, કમ્પ્યુટર્સ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ એવાં હેડિંગ્સ છે. જોકે એન્જિનીયરિંગના વિદ્યાર્થીને પણ થથરાવી મૂકતા આ શબ્દો વાંચીને ગભરાવાની જરૂર નથી. દરેક હેડિંગ નીચે, જે તે સિદ્ધાંત કામે લગાડીને મસ્ત કરામત કરી બતાવે તેવાં રમકડાંની યાદી છે. મન પડે તેના પર ક્લિક કરો એટલે, ફરી બિલકુલ સાદી રીતે, એ રમકડું કેવી રીતે બનાવી શકાય તેની સરળ સમજણ વાંચવા મળશે. દરેક તબક્કાના ફોટોગ્રાફ પણ સાથે જ છે. મોટા ભાગે ઘરમાં જ મળી જતી ખોખાં, પ્લાસ્ટિકની બોટલ, દોરી, મીણબત્તી, સ્ટ્રો વગેરે જેવી ચીજવસ્તુની જરૂર પડશે. ઇલેક્ટ્રિસિટી કે થર્મોડાયનેમિક્સને લગતાં રમકડાં બનાવવામાં મોટી વ્યક્તિના માર્ગદર્શનની ખાસ જરૂર રહેશે.
આ સાઇટની મજા ફક્ત જાતભાતનાં રમકડાંમાં નથી. રમકડું બનાવ્યા પછી, એ રમકડું કેવી રીતે જે તે કરામત કરી બતાવે છે તેની વૈજ્ઞાનિક સમજણ પણ તેમાં આપેલી છે. જેમ કે થર્મોડાયનેમિક્સ વિભાગમાં એક રમકડું છે - વર્લ્ડઝ સિમ્પલેસ્ટ સ્ટીમબોટ! આ બોટ એટલે આપણા ગામઠી મેળામાં મળતી પેલી દીવાની ગરમીથી ચાલતી હોડી! મજાની વાત એ છે કે સાઇટ પર ઉલ્લેખ છે કે ભારતમાં આવી હેન્ડમેઇડ બોટ મળે છે અને એનો ફટ ફટ અવાજ બાળકોને મજોમજો કરાવી દે છે. સાઇટ પર એનો નાનકડો વિડિયો પણ છે! આ હોડીમાં કામ કરતા સિદ્ધાંતને સમજીને, પોતાની જગ્યાએ ગોળ ગોળ ફરતી હોડી બનાવવાનો કિમિયો પણ અહીં સમજાવ્યો છે.
આપણા દેશી ઇડિયટ રૅન્ચોના વિદેશી અવતાર જેવા સિમોન ક્વીલન ફિલ્ડ નામના એક વિજ્ઞાનપ્રેમીએ આ સાઇટ બનાવી છે. રમકડાં બનાવવામાંથી નવરા પડો તો સાઇટમાં થોડાં વધુ ખાંખાંખોળાં કરજો. સિમોન તેમણે બનાવેલાં રમકડાંનું આ સાઇટ દ્વારા સેલિંગ પણ કરે છે (જોકે આપણે માટે એ કામનું નથી, ‘ઇન્ડિયન સ્ટીમ બોટની કિંમત અહીં લગભગ રૂ. ૩૫૦ છે!). એમણે ખરીદેલાં કેટલાંક મસ્ત રમકડાં વિશે થોડી વિગતો અને આ રમકડાં નેટ પર ક્યાંથી ખરીદી શકાય એની વિગતો પણ અહીં છે (જેમ કે ઘરમાં ઉડાડી શકાય એવું રિમોટ કંટ્રોલ્ડ, રબરનું ટચૂકડું પ્લેન). સિમોનનો ટોઈંગ વીથ સાયન્સશીર્ષકનો એક બ્લોગ પણ છે. વિજ્ઞાનના આજીવન વિદ્યાર્થીઓના દિમાગમાં અનેક પ્રકારના નવા ઝબકારા થવા લાગે એવા કેટકેટલાય લેખોથી આ બ્લોગ ભર્યો પડ્યો છે.
ફેસબુક, ઓર્કૂટ, ટ્વીટર, હોલીવૂડબોલીવૂડની સાઇટ્સ વગેરે વગેરેથી થોડા કંટાળો ત્યારે એક નજર જરા ઇસ તરફ ભી હો જાય?

Monday, November 15, 2010

ચાલો ઇન્ટરનેટ પબ્લિક લાઇબ્રેરીમાં!

ઇન્ટરનેટ પર નવાંસવાં ડગ માંડનારા લોકોની એક કાયમી ફરિયાદ હોય છે - તેમને નેટ પર બહુ ઝડપથી કંટાળો આવી જાય છે!

એવું કેમ થાય છે? કારણ કે ચોતરફથી સાંભળ્યું તો ઘણું હોય કે ઇન્ટરનેટ એટલે રસપ્રદ માહિતીનો દરિયો - જે જોઈએ તે ચપટીમાં મળી જાય (આવી હવા ભી કરવામાં અમારા જેવાનો વાંક પણ ખરો!) પછી ખરેખર નેટ ચાલુ કરીને બેસો ને ગૂગલમાં સર્ચિંગ કરો તો લાંબાંલચક લિસ્ટ આવે. એમાં કઈ લિંક કામની હશે એ ઝટ સમજાય નહીં, એક-બે લિંક ટ્રાય કરો તો લાગે કે કંઈક ભળતું જ ઓપન થયું અને પછી આવે કંટાળો!

ખરું કારણ એ છે કે આપણને મોટા ભાગે વિષય કે પ્રકાર પ્રમાણે જોઈતી માહિતી શોધવાની આદત હોય છે - એકલદોકલ શબ્દ પ્રમાણે નહીં. આપણાં રોજિંદાં પુસ્તકાલયોમાં (સાચ્ચું કહેજો, છેલ્લે ક્યારે ગયા હતા?) પહેલાં લેખક કે નવલકથા કે કવિતા જેવા વિભાગના કબાટ શોધીએ અને પછી જોઈતું પુસ્તક શોધીએ. કારણ કે ત્યાં રક્ત ટપકતી સો સો ઝોળી' એવું લખતાં ઝવેરચંદ મેઘાણીનું કોઈનો લાડકવાયો' ગીત ધરાવતું પુસ્તક કે તેનું પાનું સામે આવે એવી કોઈ વ્યવસ્થા નથી. ઇન્ટરનેટમાં એવી સગવડ છે તો એની આપણને હજી આદત નથી!

આનો ઉપાય છે ધ ઇન્ટરનેટ પબ્લિક લાઇબ્રેરી : www.ipl.org ઇન્ટરનેટ હજી પશ્ર્ચિમમાં પણ નવું નવું હતું ત્યારે, એટલે કે છેક ૧૯૯૫માં અમેરિકાની યુનિવર્સિટી ઑફ મિશીગન સ્કૂલ ઑફ ઇન્ફર્મેશનના પ્રોફેસર્સ અને વિદ્યાર્થીઓને પુસ્તકાલયોમાં રહેલાં વાસ્તવિક પુસ્તકો, ઇન્ટરનેટ પર વિખરાયેલા પડેલા જ્ઞાન અને ઇન્ટરનેટ પર સાચી, વિશ્વસનીય માહિતી માટે ફાંફાં મારતા મારા-તમારા જેવા લોકોને સાંકળવાનો વિચાર આવ્યો.

ઇન્ટરનેટ પહેલાં આંગળી ચધવાનું પુણ્ય ગ્રંથપાલો મેળવતા હતા. એ જ કામ લાઇબ્રેરી સાયન્સના વિદ્યાર્થીઓએ ઇન્ટરનેટ પર પણ ઉપાડી લીધું. પછી તો બીજી યુનિવર્સિટી પણ આ પ્રોજેક્ટમાં સંકળાઈ, ઇન્ટેલ અને સન માઇક્રોસિસ્ટમ્સ જેવી ધરખમ કંપનીઓનો ટેકો મળ્યો એટલે ઇન્ટરનેટ પરની આ પબ્લિક લાઇબ્રેરી વધુ ને વધુ વિકસવા લાગી.

અત્યારે આ સાઇટને રોજની એક લાખથી વધુ હીટ્સ' મળે છે. આ સાઇટ વાસ્તવિક લાઇબ્રેરી જેવું જ માળખું ધરાવે છે. અહીં પણ કીવર્ડ પ્રમાણે સર્ચ કરવાની સગવડ તો છે જ, પણ વિષય પ્રમાણે ડા તરવાની સુવિધા પણ છે. ભવિષ્યના લાઇબ્રેરિયન્સ અહીં જુદા જુદા વિષય અને પેટાવિષય અનુસારની માહિતી આપતી વેબસાઇટ્સ શોધી, તેનું મૂલ્યાંકન કરી, યોગ્યની પસંદગી કરી, વ્યવસ્થિત ગોઠવી, તેનો ટૂંક સાર આપીને આપણી સમક્ષ મુકે છે!

વાસ્તવિક લાઇબ્રેરીની જેમ અહીં તમને દુનિયાભરનાં અખબારો પણ વાંચવા મળશે ને કીડ્સસ્પેસ અને ટીનસ્પેસ જેવા ખાસ વિભાગો પણ મળશે, તેમ જાતભાતની ડિક્ષનરી અને એન્સાયક્લોપીડિયાની લિંક પણ મળશે. કહેવાની જરૂર ખરી કે અહીં ફ્રી વેબસાઇટ્સની જ લિંક આપવામાં આવે છે?

પુસ્તકાયલની વાત નીકળી છે તો એક ગુજરાતી ઇ-બુકની પણ વાત કરી લઈએ - http://gadyasoor.wordpress.com/download પરથી જીવનલક્ષી અવલોકનો ધરાવતી એક નિ:શુલ્ક ગુજરાતી ઇ-બુક ડાઉનલોડ કરી શકાશે. પુસ્તક ઝા જોડણીમાં છે, પણ ઇ-બુક કેવી હોય અને નિવ્ત્તિ પછીય બ્લોગ કોઈને કેટલા પ્રવ્ત્ત રાખી શકે છે એ પણ જોઈ-જાણી શકાશે!

Thursday, November 11, 2010

ઇન્ટરનેટ પર ગાંધીયાત્રા

દાંડીયાત્રાના દિને ચાલો નીકળીએ ગાંધીયાત્રા પર, સાયબરજગતમાં. લગભગ આખી દુનિયા નેટ પર આંખ મચીને જ્યાં પહેલું ડગ માંડે છે.

એ ગૂગલ પર ‘ગાંધી' લખીને સર્ચ કરો એ સાથે ૦.૦૨ સેકન્ડમાં ગૂગલ ૧,૮૫,૦૦,૦૦૦ પરિણામોનો ખડકલો તમારી સામે મૂકી દે છે. મતિ મૂંઝાઈ જાય એવી સ્થિતિ છે. ગાંધીજીનું નામ ધરાવતી સાઇટ પણ કેટકેટલી... mahatmagandhiji.com (ગાંધીજીના નામે ઓર્ગેનાઇઝેશન હોય તો સમજ્યા, પણ કંપની? હે રામ!) mkgandhi.org, mkgandhi-sarvodaya.org, gandhiserve.org, gandhism.net, gandhana.net, gandhiatthebat.com...

ક્વૉટ્સ, તસવીરો, ઓડિયો-વીડિયો ક્લિપ્સ, પુસ્તકો, લેખો, પત્રો, કાર્ટૂન... ગાંધીજીની જાણે સેકન્ડ ડીજિટલ લાઇફ શરૂ થઈ છે ઇન્ટરનેટ પર. જર્મનીના ચેરિટેબલ ટ્રસ્ટ ગાંધીસર્વ'ની સાઇટ પર ગાંધીસાહિત્યનો કદાચ સૌથી મોટો ખજાનો ઉપલબ્ધ છે. આ ટ્રસ્ટ ગાંધીવિચાર વિશે મીડિયા કન્સલ્ટન્સી ચલાવે છે ને ભારત અને દ.આફ્રિકામાં ગાંધીજીના પગલે ચાલતી યાત્રા પણ યોજે છે!

આ બધી સાઇટ્સની અછડતી મુલાકાત લેતાં, ‘મોહનદાસ કરમચંદ ગાંધી' નામ કેટકેટલા મિશ્ર પ્રતિસાદ ભા કરે છે એનોય આછો અંદાજ આવે છે. એક તરફ, અનેક ઠેકાણે ગાંધીજી વિશેનું આઇન્સ્ટાઇનનું પેલું વિખ્યાત અવતરણ નજરે ચઢે છે, તો બીજી તરફ, દુનિયા આખીના વાંધાવચકાને વાચા આપતી gopetition.com સાઇટ પર, ગાંધીજીના જન્મદિનને આંતરરાષ્ટ્રીય અહિંસાદિન ઘોષિત કરવા સામે યુએનને કરવામાં આવેલી અપીલ પણ છે (જેમાં ૨૦૭ લોકોએ સહી કરી છે).

દુનિયાભરના લોકો ગૂગલના સર્ચબોક્સમાં દર સેકન્ડે જે કંઈ લખે છે તેના આધારે લોકોના મનમાં શું ચાલી રહ્યું છે એનો તાગ કાઢવાની કોશિશ ગૂગલ ઝાઇગાઇસ્ટ' નામે કરે છે. આ ઝાઇગાઇસ્ટના મતે, ૨૦૦૭માં ભારતના સર્ફરે નેટ પર જે રાજકીય નેતાઓ વિશે સૌથી વધુ ખાંખાખોળ્યાં કર્યાં એ યાદીમાં ગાંધી (સોનિયા નહીં, મોહનદાસ) ટોચ પર છે. આ લિસ્ટને લોકમાનસનાં સાચાં બેરોમીટર ગણવા જેવાં નથી, પણ ઓરકૂટ જેવું ખાસ્સું જામી ગયેલ સોશિયલ નેટવર્ક, એટલીસ્ટ યંગસ્ટર્સના ટ્રેન્ડઝનું ઘણું નજીકનું દર્શન કરાવે છે. એમાં ગાંધીજીના નામે દોઢ-બે હજાર સભ્યો ધરાવતી ફેનક્લબ્સ છે, તેમ આઇ હેટ ગાંધી' પ્રકારની કોમ્યુનિટીઝ પણ છે, લગભગ સરખા પ્રમાણમાં સભ્યસંખ્યા સાથે!

રીયલ લાઇફની જેમ નેટલાઇફમાં પણ ગાંધી' નામ વટાવવાવાળા ઘણા છે. જાણીને નવાઈ લાગશે કે ઇ-બે કે ફ્રૂગલ જેવી ઓનલાઇન શોપિંગ સાઇટ પર ગાંધીજીને લગતી હજારથી વધુ ચીજવસ્તુ વેચાણ માટે મુકાઈ છે, જેમાં ગાંધીજીની તસવીર ધરાવતી સ્ટેમ્પ તો ઠીક, બે અને પાંચ રૂપિયાની નોટ પણ મૂળ કિંમત કરતાં અનેકગણી કિંમતે વેચાય છે! ગાંધીજીના ચિત્રવાળો કૉફીમગ કે માઉસપેડ પણ મળશે.

ગાંધીજીનો ઇન્ટરનેટ સાથેનો સંબંધ ત્યાંથી પણ આગળ વધે છે, ઇટાલીના કોઈ ભેજાબાજને વિચાર આવ્યો કે ગાંધીજી પાસે ઇન્ટરનેટ કે મોબાઇલ જેવી આધુનિક સવલત હોત તો એમની અસર કેટલી વિસ્તરી હોત? બસ, આ થીમ પર ઇટાલીની એક ટેલિકમ્યૂનિકેશન કંપનીએ અફલાતૂન ટીવીકમર્શિયલ બનાવી છે! જોવી છે? તો યુટ્યુબ પર ઇટાલિયા, ગાંધી લખીને સર્ચ કરી જુઓ!

Monday, November 8, 2010

ઇન્ટરનેટનું '૫૦ના દાયકા સાથેનું કનેક્શન

આ માર્ચમાં વર્લ્ડવાઇડવેબ એટલે કે `વેબ'ની રચનાને વીસ વર્ષ પૂરાં થયાં. આપણે વેબ અને ઇન્ટરનેટ બંનેને એક ગણીએ છીએ, પણ હકીકતમાં ઇન્ટરનેટ એટલે દુનિયાભરનાં કરોડો કમ્પ્યૂટર્સને જોડતું વિરાટ માળખું. જ્યારે વર્લ્ડવાઇડવેબ એટલે ઇન્ટરનેટની મદદથી માહિતીની આપલે માટેની ટેક્નોલોજી. વેબને હજી વીસેક વર્ષ થયાં છે, પણ ઇન્ટરનેટનાં મૂળીયાં '૫૦ના દાયકામાં પડેલાં છે. ચાલો તપાસીએ ઇન્ટરનેટની ટાઇમલાઇન...
 
- ૧૯૫૮માં અમેરિકન પ્રેસિડેન્ટ આઇઝનહોવરે યુએસની ડિફેન્સ સર્વિસીઝ માટે `એડવાન્સ્ડ રિસર્ચ પ્રોજેક્ટ એજન્સી (આરપા)'ની રચના કરવા ભંડોળ ફાળવવાનું વિચાર્યું.
 
- ૧૯૬૨માં ઇન્ટરનેટ કન્સેપ્ટ વિશે પહેલું વૈજ્ઞાનિક પેપર લખાયું.
 
- ૧૯૬૫માં એમઆઇટી લિંકનલૅબમાં પહેલા નેટવર્કિંગથી બે કમ્પ્યૂટર્સે એકબીજા સાથે `વાત' કરી!

- ૧૯૬૯થી ૧૯૭૦ સુધીમાં આરપાનેટ વિકસ્યું અને જુદાં જુદાં પાંચેક સ્થળોએ આ નેટવર્કના નોડ્સ મૂકાયા.

- ૧૯૭૨માં આરપાનેટ માટે પહેલી પાર, બેઝિક ઇ-મેઇલ પ્રોગ્રામ લખાયો અને એમાં @ (એટ) સાઇનનો ઉપયોગ થયો (જેને આપણે સૌ હોંશથી `એટ ધ રેટ' કહીએ છીએ!)

- ૧૯૭૩માં આરપાનેટે અમેરિકાની સરહદ ઓળંગી. ઇંગ્લેન્ડ ને નોર્વે સાથે ઇન્ટરનેશનલ કનેક્શન્સ રચાયાં.

- ૧૯૭૬માં ક્વિન એલિઝાબેથ બીજાંએ ઇ-મેઇલનો ઉપયોગ કર્યો. એપલ કમ્પ્યૂટરનો પણ જન્મ થયો.

- ૧૯૮૦માં `ઇન્ક્વાયર વિધિન' નામનો પ્રોગ્રામ લખાયો, જેમાંથી વર્લ્ડવાઇડવેબનો જન્મ થવાનો હતો.

- ૧૯૮૦માં આઇબીએમે પહેલા પર્સનલ કમ્પ્યૂટરની જાહેરાત કરી અને માઇક્રોસોફ્ટે ડોસ વિક્સાવી.

- ૧૯૮૩માં, .કોમ, .ઓર્ગ, .નેટ વગેરે જન્મ્યાં અને ડોમેઇન નેમ સિસ્ટમ વિક્સી.

- ૧૯૮૪માં પહેલી વાર `સાયબરસ્પેસ' શબ્દનો ઉપયોગ થયો.

- ૧૯૮૫માં સિમ્બોલિક.કોમ નામે પહેલું ડોમેઇન નેમ રજિસ્ટર્ડ થયું.

- ૧૯૮૬માં આરપાનેટ ઓપન થયું અને ઇન્ટરનેટ વિકસ્યું. એ વર્ષે ૫૦૦૦ કમ્પ્યૂટર્સ કનેક્ટ થયાં.

- ૧૯૮૯ સુધીમાં કનેક્ટેડ કમ્પ્યૂટર્સની સંખ્યા એક લાખે પહોંચી અને માર્ચમાં વર્લ્ડવાઇડવેબનો જન્મ થયો.

- ૧૯૯૨માં `નેટ સર્ફિંગ' શબ્દ ચલણી બન્યો.

- ૧૯૯૩માં વેબના ઉપયોગમાં ૩,૪૧,૦૦૦ ટકાનો વધારો નોંધાયો!
અને પછી તો, રેસ્ટ ઇઝ ધ નોન હિસ્ટ્રી! મજાની વાત એ છે કે માણસને માણસની નજીક લાવતી આ ટેક્નોલોજી વિકસી રહી હતી ત્યારે દુનિયા આખીનું બધું ધ્યાન માણસને માણસથી દૂર, છેક અવકાશમાં લઈ જતા સ્પેસ પ્રોગ્રામ પર કેન્દ્રિત હતું!

Friday, November 5, 2010

મળો ‘ઇડિયટ રૅન્ચો’ના વિદેશી અવતારને

સ્ટીમબોટ, રોકેટ, સોલાર બેટરી, હીટ એન્જિન, રેડિયો... આ બધું તમને જાતે બનાવવું ગમે? એ પણ સહેલાઈથી મળતી ચીજવસ્તુમાંથી? વિજ્ઞાનનો જબરજસ્ત રોમાંચક ખજાનો છે અહીં...
તમારામાંના બાળકને તમે જીવતું રાખ્યું હશે તો ચોમાસામાં આ મજા તમે ચોક્કસ માણી હશે (ના, પાણીના ખાબોચિયામાં મસ્તીથી કૂદકો મારવાની વાત નથી!), ભીના રસ્તા પર ઓઇલ કે પેટ્રોલડીઝલ ઢોળાતાં રચાતાં રંગબેરંગી મેઘધનૂષ જોવાની મજા! અચ્છા, એ વખતે તમારી આંગળીએ કોઈ ટાબરિયું હોય અને એ આ મેઘધન્નુ ઘરે સાથે લઈ જવાની જીદ પકડે તો? અત્યાર સુધી તમે કદાચ પ્રેમથી સમજાવી, પટાવીને ને છેવટે ધમકાવીને વાતનો અંત લાવ્યા હશો પણ હવે એવું કંઈ કરવાની જરૂર નથી.
બસ આવું જ મેઘધનુષ - પરમેનન્ટ મેઘધનૂષ ઘરે બનાવી આપીશએવું પ્રોમીસ આપો અને ઘરે આવીને તમારું રઘુવીર વચનપાળી બતાવો!
ઘરે પહોંચીને ઇન્ટરનેટ ખોલો અને પહોંચો (http://scitoys.com/) પર. આ સાઇટ પર એના નામ પ્રમાણે, વિજ્ઞાનના સિદ્ધાંત અનુસાર કામ કરતા અનેક જાતના પ્રયોગો કે રમકડાં, મોટા ભાગે ઘરમાં જ ઉપલબ્ધ ચીજવસ્તુઓથી બનાવવાની અનેક ટીપ્સનો ખજાનો છે.
પહેલી નજરે સાઇટ સાવ સામાન્ય લાગશે. ચારેતરફ ગૂગલની એડ્સની ભરમાર વચ્ચે, સાવ કોઈ શિખાઉ વ્યક્તિની જેમ મૂકેલી થોડી ટેક્સ્ટ અને એક તરફ એક લાંબુંલચક લિસ્ટ. બસ, આ લિસ્ટનું હેડિંગ તમારું ધ્યાન જકડી લેશે - સાયન્સ ટોય્ઝ ટુ કેન મેઇક વિથ યોર કીડ્ઝ!
લિસ્ટમાં મેગ્નેટિઝમ, ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ, ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી, રેડિયો, થર્મોડાયનેમિક્સ, એરોડાયનેમિક્સ, લાઇટ્સ એન્ડ ઓપ્ટિક્સ, બાયોલોજી, મેથેમેટિક્સ, કમ્પ્યુટર્સ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ એવાં હેડિંગ્સ છે. જોકે એન્જિનીયરિંગના વિદ્યાર્થીને પણ થથરાવી મૂકતા આ શબ્દો વાંચીને ગભરાવાની જરૂર નથી. દરેક હેડિંગ નીચે, જે તે સિદ્ધાંત કામે લગાડીને મસ્ત કરામત કરી બતાવે તેવાં રમકડાંની યાદી છે. મન પડે તેના પર ક્લિક કરો એટલે, ફરી બિલકુલ સાદી રીતે, એ રમકડું કેવી રીતે બનાવી શકાય તેની સરળ સમજણ વાંચવા મળશે. દરેક તબક્કાના ફોટોગ્રાફ પણ સાથે જ છે. મોટા ભાગે ઘરમાં જ મળી જતી ખોખાં, પ્લાસ્ટિકની બોટલ, દોરી, મીણબત્તી, સ્ટ્રો વગેરે જેવી ચીજવસ્તુની જરૂર પડશે. ઇલેક્ટ્રિસિટી કે થર્મોડાયનેમિક્સને લગતાં રમકડાં બનાવવામાં મોટી વ્યક્તિના માર્ગદર્શનની ખાસ જરૂર રહેશે.
આ સાઇટની મજા ફક્ત જાતભાતનાં રમકડાંમાં નથી. રમકડું બનાવ્યા પછી, એ રમકડું કેવી રીતે જે તે કરામત કરી બતાવે છે તેની વૈજ્ઞાનિક સમજણ પણ તેમાં આપેલી છે. જેમ કે થર્મોડાયનેમિક્સ વિભાગમાં એક રમકડું છે - વર્લ્ડઝ સિમ્પલેસ્ટ સ્ટીમબોટ! આ બોટ એટલે આપણા ગામઠી મેળામાં મળતી પેલી દીવાની ગરમીથી ચાલતી હોડી! મજાની વાત એ છે કે સાઇટ પર ઉલ્લેખ છે કે ભારતમાં આવી હેન્ડમેઇડ બોટ મળે છે અને એનો ફટ ફટ અવાજ બાળકોને મજોમજો કરાવી દે છે. સાઇટ પર એનો નાનકડો વિડિયો પણ છે! આ હોડીમાં કામ કરતા સિદ્ધાંતને સમજીને, પોતાની જગ્યાએ ગોળ ગોળ ફરતી હોડી બનાવવાનો કિમિયો પણ અહીં સમજાવ્યો છે.
આપણા દેશી ઇડિયટ રૅન્ચોના વિદેશી અવતાર જેવા સિમોન ક્વીલન ફિલ્ડ નામના એક વિજ્ઞાનપ્રેમીએ આ સાઇટ બનાવી છે. રમકડાં બનાવવામાંથી નવરા પડો તો સાઇટમાં થોડાં વધુ ખાંખાંખોળાં કરજો. સિમોન તેમણે બનાવેલાં રમકડાંનું આ સાઇટ દ્વારા સેલિંગ પણ કરે છે (જોકે આપણે માટે એ કામનું નથી, ‘ઇન્ડિયન સ્ટીમ બોટની કિંમત અહીં લગભગ રૂ. ૩૫૦ છે!). એમણે ખરીદેલાં કેટલાંક મસ્ત રમકડાં વિશે થોડી વિગતો અને આ રમકડાં નેટ પર ક્યાંથી ખરીદી શકાય એની વિગતો પણ અહીં છે (જેમ કે ઘરમાં ઉડાડી શકાય એવું રિમોટ કંટ્રોલ્ડ, રબરનું ટચૂકડું પ્લેન). સિમોનનો ટોઈંગ વીથ સાયન્સશીર્ષકનો એક બ્લોગ પણ છે. વિજ્ઞાનના આજીવન વિદ્યાર્થીઓના દિમાગમાં અનેક પ્રકારના નવા ઝબકારા થવા લાગે એવા કેટકેટલાય લેખોથી આ બ્લોગ ભર્યો પડ્યો છે.
ફેસબુક, ઓર્કૂટ, ટ્વીટર, હોલીવૂડબોલીવૂડની સાઇટ્સ વગેરે વગેરેથી થોડા કંટાળો ત્યારે એક નજર જરા ઇસ તરફ ભી હો જાય?

Saturday, October 30, 2010

દુનિયાનું આલ્બમ, એક સાઇટ પર !

દુનિયા  આખીના નામીઅનામી  ફોટોગ્રાફર્સે લીધેલા અફલાતૂન સ્નેપ્સની  મદદથી વિશ્વ આખું ખૂંદી વળવું હોય તો આ સાઇટ જેવી મજા બીજે ક્યાંય  નહીં આવે!
આપણી ગુજરાતી  ભાષામાં એક સરસ વાક્ય પ્રચલિત છે ‘નક્શામાં જોયું, તે જાણે ન કશામાં જોયું’. તમે નક્શા પર ભલે ગમે તેટલી દુનિયાની સફર કરો, પણ એનાથી કંઈ દુનિયા જોવાનો ખરો લ્હાવો મળે નહીં. આ વાત જૂના જમાનામાં સાચી હશે, જ્યારે આજનાં જેવાં સાધનો નહોતાં. હવે તો, નક્શાને જોરે તમે દુનિયાના ખૂણેખૂણાને મન ભરીને માણી શકો છો.
માનવામાં ન  આવતું હોય તો પહોંચો (www.earthalbum.com) પર.  
આપણે ગુજરાતીઓ વિશ્વવાસી ખરા, દુનિયામાં ખૂણેખાંચરે વસી જઈએ, પણ ખરા વિશ્વપ્રવાસી નહીં. વિશ્વપ્રવાસી તો યુરોપ, ઓસ્ટ્રેલિયા કે અમેરિકાના લોકો, જે ખભે મસમોટા થેલા ટાંગીને ચારછ મહિના માટે દુનિયામાં રીતસર ભમવા નીકળી પડે. આવા જ એક વિશ્વપ્રવાસીને થયું કે આવી રીતે ભમી ભમીને કેટલુંક ભમી શકાય? એના બદલે, કંઈક એવી ગોઠવણ કરી હોય તો કે ઘેરબેઠાં દુનિયા આખીના સેલસપાટા કરી શકાય? આ મથામણમાંથી જન્મ થયો અર્થ આલ્બમનો.
આ સાઇટનો સર્જક ખરેખર કોઈ અલગારી હશે કેમ કે તેણે સાઇટ પર પોતાના વિશે કોઈ વિગત મૂકી નથી (અથવા આ લખનારને મળી નથી!), પણ એ હશે કિમિયાગર કેમ કે તેણે બિલકુલ સિમ્પલ આઇડિયા દોડાવ્યો છે. તમે જાણો જ છો કે વિશ્વના પ્રોફેશનલ અને એમેચ્યોર એવા અનેક ફોટોગ્રાફર્સ પોતે લીધેલા ફોટોગ્રાફ્સ યાહૂની ફ્લિકર સર્વિસ પર શેર કરે છે. ફોટોગ્રાફ સાથે એ ક્યાંનો છે એવી થોડી પાયાની માહિતી પણ હોય. અર્થઆલ્મબના સર્જકે ભેજું દોડાવીને ફ્લિકર પર દુનિયાનો નક્શો (ગૂગલનો જ સ્તો!) મૂકી દીધો છે. ફ્લિકર, ગૂગલ મેપ અને ફ્લેશ - બસ આ ત્રણ પ્રોગ્રામનો સરસ સુમેળ કરીને આ ભેજાબાજે દુનિયાનું મસમોટું આલ્બમ બનાવી દીધું છે.
સાઇટ પર તમે જશો એટલે આખો સ્ક્રીન ભરી  દેતો વિશ્વનો નક્શો તમારી સમક્ષ આવશે. નક્શા પર ઇચ્છો ત્યાં ક્લિક કરો. અથવા, છેક ઉપર હોમ અને સાઇટ શેરિંગ તથા આઇફોન અને યુટ્યુબ એડિશન જેવી લિંક ઉપરાંત, ‘જમ્પ ટુ’ની લિંક છે ત્યાં કોઈ પણ જગ્યા, ધારો કે એફિલ ટાવર, લખો અને જુઓ કમાલ! ગૂગલ મેપ પર તમે પેરિસ પહોંચશો અને એ સાથે ઉપરની બાજુએ, અનેક ફોટોગ્રાફર્સે લીધેલા એફિલ ટાવરના અફલાતૂન સ્નેપ્સના થમ્બનેઇલ્સની લાઇન લાગશે. તમને ગમે તે ફોટો પર ક્લિક કરતાં એ એન્લાર્જ થશે, સાથે તેના વિશે ફોટોગ્રાફરે મૂકેલી નોટ વાંચી શકશો. વધુ રસ પડે તો વધુ એક ક્લિક સાથે એ ફોટો વિશે બીજા લોકોની કમેન્ટ્સ અને ફોટોગ્રાફરના બીજા ફોટોગ્રાફ્સ જોવા ફ્લિકર પર પહોંચી જાવ!
તમારી પાસે આઇફોન હોય તો આ સાઇટની આઇફોન એડિશન માણી શકો છો. કૂલઆઇરિસ એડિશન ફોટોગ્રાફ્સને જોવાની વળી વધુ એક મસ્ત રીત છે. સાઇટની યુટ્યૂબ એડિશન પર, નક્શા પર ક્લિક કરીને જે તે દેશના વિવિધ મ્યુઝિક વિડિયોઝ જોઈ શકાય છે.
જોકે સાઇટની ખરી મજા એના ફોટોઝમાં છે. આમ જુઓ તો તમે સીધા ફ્લિકરમાં જઈને વિવિધ સ્થળ કે દેશ  વિશે સર્ચ કરીને જે તે ફોટોકલેક્શન માણી જ શકો છો, પણ નક્શા પર ક્લિક કરીને જે તે સ્થળની સેટેલાઇટ ઇમેજીસ સાથે ક્લાસિક ફોટોઝ જોવાની મજા જુદી જ છે. સાઇટના સર્જકે પોતે લખ્યું છે એમ એને કેન્યા આફ્રિકામાં ક્યાં આવ્યું એની ખબર પણ નહોતી. હવે એ પોતાની સાઇટ પર કેન્યા ખૂંદી વળી શકે છે.
સાઇટનું વધુ એક જમાપાસું એ છે કે તેમાં ફ્લિકરના ટોપ રેટેડ ફોટોઝ દેખાતા હોવાથી જ્યારે પણ તમે સાઇટની વિઝિટ કરો ત્યારે મોટા ભાગે નવા ફોટોઝ જોવા મળશે.
જરા કલ્પના  કરી જુઓ, તમે ઘરમાં ટાબરિયાંઓ સાથે દુનિયાભરની સહેલગાહે નીકળી પડો તો કેવી મજા પડે? એ પણ વિચારી જુઓ કે શાળામાં શિક્ષકો આ સાઇટના સહારે બાળકોને હિમાલય, ગંગા કે આફ્રિકાનાં જંગલો કે દુનિયાની અજાયબીઓની સફર કરાવે તો અડધાપોણા કલાકના વર્ગમાં બાળકો કેટલું નવું જાણીમાણી શકે? એમની જિજ્ઞાસા કેટલી વિકસે એ વિચારો!

Thursday, October 28, 2010

બ્લોગ વિશે કેટલીક પાયાની વાત


થોડાં વર્ષ પહેલાં, ‘ઇન્ટરનેટ' શબ્દે જેટલો રોમાંચ જગાવ્યો હતો એટલી જ ચર્ચા છેલ્લા થોડા સમયથી બ્લોગ' શબ્દે જગાવી છે. એટલી હદે કે વિદેશોમાં લખાતા કેટલાક બ્લોગ તો વાચકોની સંખ્યા બાબતે રાષ્ટ્રીય અખબારો સાથે હરીફાઈ કરવા લાગ્યા છે. આખરે છે શું આ બ્લોગ, બ્લોગિંગ અને બ્લોગર?

બ્લોગ શબ્દ જન્મ્યો છે વેબલોગમાંથી, જેનો સાદો અર્થ છે વેબ પર લખાતી ડાયરી. તમે કોઈ પણ વિષય વિશેના તમારા વિચારો, ફોટોગ્રાફ, વીડિયો વગેરે કંઈ પણ આખી દુનિયાને બતાવવા ઇચ્છતા હો તો અત્યારે સૌથી સહેલો ઉપાય છે તમારો પોતાનો બ્લોગ લખવાનો. વેબસાઇટ બનાવવા અંગેની કોઈ પણ ટેકનિકલ જાણકારી વિના, કોઈ પણ વ્યક્તિ સહેલાઈથી પોતાનો બ્લોગ શરૂ કરીને, બ્લોગર બની શકે છે. આમ તો સંખ્યાબંધ સાઇટ્સ મફત બ્લોગિંગની સેવા આપે છે, પણ વર્ડપ્રેસ અને ગૂગલની બ્લોગર બ્લોગર્સમાં હોટ ફેવરિટ છે.

તમે યાહૂ, રીડીફ કે જીમેઇલમાં ઇમેઇલ એકાઉન્ટ ખોલાવો એટલી જ સહેલાઈથી આ સાઇટ્સ પર જઈને પોતાનો બ્લોગ શરૂ કરી શકો છો. પછી જેમ કોઈને ઇમેલ લખીને મોકલો, એ જ રીતે તમારા વિચાર તમારા બ્લોગ પર પોસ્ટ કરી શકો. તમારા મિત્રો-સ્વજનોને તમારા બ્લોગનું એડ્રેસ આપી દો એટલે એ તમારા બ્લોગની મુલાકાત લેતા થઈ જાય. તમારા લખાણ વિશે તમારા વાચકને કંઇ કહેવું હોય તે એ ત્યાં ને ત્યાં, તરત પોતાની કમેન્ટ ઉમેરી શકે. એ તમે વાંચો, એનો જવાબ આપો... અને આમ શરૂ થઈ જાય દુનિયાભરના ખૂણેખાંચરે વસતા લોકોને સાંકળતો એક સરસ, લાઇવ સંબંધ.

ટેક્નોરેટી નામની સાઇટ દુનિયાઆખીના બ્લોગ્સ પર નજર રાખે છે અને ટોપ પોસ્ટ્સ તારવીને, તમારી સમક્ષ મૂકે છે. આ ટેક્નોરેટી કહે છે કે હાલમાં તે એક અબજ ૧૩ કરોડ જેટલા બ્લોગ પર નજર રાખે છે ને રોજ પોણા બે લાખ જેટલા નવા બ્લોગ ઇન્ટરનેટ પર ઉમેરાય છે! એક વાચક તરીકે, બ્લોગ એક અત્યંત વિશાળ પુસ્તકાલયની ગરજ સારે છે ને તમારા રસના વિષયના ખરા નિષ્ણાતોના બ્લોગ શોધી શકો તો પછી ખરો જલસો છે. સામાન્ય, સ્થાનિક નાગરિકે લખેલા બ્લોગ બહારના પત્રકાર કરતાં વધુ ધારદાર હોય છે, જે સૂનામી જેવી આફત વખતે પુરવાર થયું.

બ્લોગ લખવાની પણ આગવી મજા છે. ઘણા વાચકોને અનુભવ હશે કે તેમની કલમને અખબારના પાને પહોંચાડવામાં મોટા ભાગે નિષ્ફળતા મળે છે. જ્યારે બ્લોગિંગમાં તો તમે જ લેખક અને તમે જ તંત્રી! થોડા સમય પહેલાં સમાચાર હતા કે સ્પેનનાં એક દાદીમાએ ૨૦૦૬માં ૯૫ વર્ષની વયે બ્લોગિંગ શરૂ કર્યું અને અત્યારે ૬૦,૦૦૦ જેટલા નિયમિત વાચકો સાથે ચાલતી અલકમલકની વાતોથી એમને રીતસર નવું જીવન મળ્યું છે! આ દાદીમા સ્પેનિશ ભાષામાં લખે છે, તમે ગુજરાતીમાં લખી શકો.

Thursday, October 21, 2010

ધડાધડ જાતે બનાવો વેબસાઇટ

અચ્છા, તો તમને પણ વેબસાઇટ બનાવવાની ઇચ્છા જાગી છે? સરસ! આમ તો, સામાન્ય રીતે ત્રણ સ્થિતિમાં તમને વેબસાઇટ બનાવવાનો વિચાર આવી શકે - તમારે તમારા બિઝનેસને વધુ વિસ્તારવો હોય, ઇન્ટરનેટ પરથી કમાણીની વહેતી ગંગામાં ઝંપલાવવાની ઇચ્છા જાગી હોય, અથવા તો પછી અમસ્તાં જ ગમતાંનો ગુલાલ કરવા - વિચારોકવિતા વગેરેની લ્હાણી કરવા પૂરતું જ પોતાની વેબસાઇટ હોય તો ઠીક એવો વિચાર આવ્યો હોય.

આમાંથી પહેલી સ્થિતિ હોય, બિઝનેસને સીરીયસલી વિસ્તારવાની, તો તમારે કોઈ અનુભવી વેબડેવલપરની જ મદદ લેવી સારી. કમાણી કરી લેવાનો વિચાર હોય તો આવો પ્રયત્ન કરવા માટે ઘણી કંપનીઓ વેબસાઇટ બનાવી આપવાની અને પેપરક્લિક જેવી કમાણીની તક સાથે તમને સાંકળી આપવાની ઑફર કરતી હોય છે. ઇન્ટરનેટ પરથી કમાણી શક્ય છે, પણ એ માટે પૂરતી જાણકારી હોવી જરૂરી છે. અનુભવ વિના, ભવિષ્યની કમાણીનાં સપનાં માટે ભૂતકાળની મહેનતની કમાણીને વેડફવી સારી નહીં.
છતાં, પ્રયાસ કરવો હોય તો? અથવા તો, છેલ્લી સ્થિતિ અનુસાર ફક્ત બ્લોગ બનાવવાની ઇચ્છા હોય તો? સૌથી સહેલો રસ્તો તમારો બ્લોગ બનાવવાનો જ છે (બ્લોગ અને વેબસાઇટમાં ગૂંચવાતા હો તો જાણી લો કે બંને મૂળમાં એક જ વાત છે, બ્લોગમાં કોઈ ટેકનિકલ જાણકારી જરૂરી નથી, પ્રોફેશનલ વેબસાઇટ માટે એ જરૂરી છે). ઇમેઇલ એકાઉન્ટ ખોલાવો એટલી સહેલાઇથી તમે (www.wordpress.com) કે (www.blogger.com) પર જઈને તમારો બ્લોગ બનાવી શકો છો.

આ બંને સૌથી લોકપ્રિય સર્વિસ છે. તેમાં તમારી સાઇટના એડ્રેસમાં (www.yourname.wordpress.com) જેવું નામ ચલાવી લો તો બંને સર્વિસ મફત છે. તમારું પોતાનું ડોમેઇન એડ્રેસ હોય તો બ્લોગર પરના બ્લોગને એ એડ્રેસ પર રીડાઇરેક્ટ કરવાની સુવિધા મફત છે, વર્ડપ્રેસ પર એ સગવડ મેળવવાનું કામ થોડી મહેનત અને જાણકારી માગી લે છે. તેમ, કમાણીના મૂળ રસ્તા જેવી ગૂગલની એડસેન્સ સેવા બ્લોગરમાં ઇનેબલ કરવી સહેલી છે, વર્ડપ્રેસમાં થોડી મુશ્કેલ છે.

તો હવે સવાલ એ છે કે આ બંને સિવાય કોઈ રસ્તો ખરો? ઉપરાંત, આખરે તો આ બંને બ્લોગિંગ સર્વિસ છે. પ્રોફેશનલ લાગતી સાઇટનો જ આગ્રાહ હોય અને કમાણીનો મુદ્દો જતો કરવાની તૈયારી ન હોય તો?
તો રસ્તો છે વેબ્લી (www.weebly.com)નો. આ સર્વિસ ટાઇમ મેગેઝિનની ૫૦ બેસ્ટ વેબસાઇટ્સની યાદીમાં સ્થાન પામી છે. અહીં તમે સાઇટ અને બ્લોગ બંનેનો લાભ મેળવી શકો છો, મફતમાં. આ સાઇટ બનાવવા માટે કોઈ ટેકનિકલ જાણકારીની જરૂર નથી. અહીં પણ, સાઇટના એડ્રેસમાં પાછળ (weebly.com)નું છોગું ચલાવી લો તો તરત, મફતમાં સાઇટ બનાવીને લાઇવ કરી શકશો. નવું ડોમેઇન નોંધાવવું હોય તો થોડી કડાકૂટ છે અને મોંઘું છે. તમારું પોતાનું ડોમેઇન હોય તો સાઇટને ત્યાં રીડાઇરેક્ટ કરી શકશો, મફતમાં જ.

સૌથી પહેલાં, તમારી પસંદનું યુઝરનેમ અને પાસવર્ડ નક્કી કરીને સાઇટમાં તમારું એકાઉન્ટ ખોલાવો. પછી, જેમ ઇમેઇલમાં કમ્પોઝ ન્યૂ મેઇલનું બટન પ્રેસ કરીને નવો ઇમેલ લખો તેમ અહીં વારાફરતી જુદા જુદા વિકલ્પ પસંદ કરીને તમારી સાઇટ બનાવી શકો છો. ઇન્ટરફેસ ખરેખર સરળ છે. સાઇટમાં લખાણ મૂકવું છે, ફોટો મૂકવો છે, ફોટો બદલવો છે... જે ઇચ્છો તે તમે ફક્ત ડ્રેગ એન્ડ ડ્રોપ એડિટરની મદદથી કરી શકો છો. ઈંગ્લિશ વાંચીને સમજતાં અને માઉસ ચલાવતાં આવડે તો અહીં તમે વેબસાઇટ બનાવી શકો છો. સૌથી સારી વાત એ છે કે અહીં મફત વર્ઝનમાં ફક્ત અમુક જ પેજ કે સાઇઝની વેબસાઇટ જેવી કોઈ મર્યાદા નથી. ફક્ત, ઓડિયો પ્લેયર કે વિડિયો કે કોઈ ડોક્યુમેન્ટ એમ્બેડ કરવું હોય તો તમારે પૈસા ખર્ચીને પ્રોએકાઉન્ટ ખોલાવવું પડશે.

આ સાઇટ તમારી વેબસાઇટ પર ધરાર, તેની મરજીની એડનો મારો પણ કરતી નથી. હા, તમે ઇચ્છો તો ગૂગલ એડસેન્સની સર્વિસ ચાલુ કરીને કમાણી ચાલુ કરી શકો છો.
સાઇટને ડિઝાઇન કરવા માટે પણ અનેક ઓપ્શન્સ છે. તમે એને તમારી ઇચ્છા પ્રમાણે કસ્ટમાઇઝ પણ કરી શકો છો. એચટીએમએલ અને સીએસએસની થોડી જાણકારી હોય તો આ સર્વિસ તમને એ પણ કરવા દે છે. અલબત્ત, એમાં તમે જાણકાર હો તો જ આગળ વધવું! આખી સર્વિસના ફિચર્સ એક વાંચી, સમજીને આગળ વધશો તો વધુ મજા પડશે.

ટૂંકમાં, પોતાની સાઇટ બનાવવી હોય, કમાણી કરવાનાં સપનાં હોય, તો એક પણ પૈસો ખર્ચ્યા વિના અજમાયશ કરી જોવા માટે આ સર્વિસ બિલકુલ ખોટી નથી. અગાઉ આપણે આ જ પ્રકારની વેબ્સ નામની સર્વિસની વાત કરી હતી, તેના પ્રમાણમાં વેબ્લી અનેક રીતે વધુ ચઢિયાતી છે.

Thursday, October 14, 2010

ગમતાં ગીતો એક્સેસ કરો ઓનલાઇન

તમારા કમ્પ્યુટરમાં ગીતોનું મસ્ત કલેક્શન બનાવો અને પછી એને એક્સેસ કરો ગમે ત્યાંથી, મન થાય ત્યારે.

આજે થોડી રમત કરીએ! ધારો કે તમે ઑફિસમાં કમ્પ્યુટર સામે બેઠા છો અને ઘરના કમ્પ્યુટરમાં સ્ટોર કરેલું કોઈ મસ્ત મજાનું ગીત સાંભળવાનું મન થઈ આવ્યું. તો?

આમ તો, આ સ્થિતિમાં બેત્રણ રીતે તમે તમારી ઇચ્છા પૂરી શકો છો. અલબત્ત, થોડી આગોતરી તૈયારી જોઈએ. પહેલો, સાવ સાદો ઉપાય એ છે કે ઘરેથી તમારા યાહૂ કે જીમેઇલના એકાઉન્ટમાં તમને ગમતાં ગીતો અપલોડ કરી દો. પછી ઑફિસમાં કે બીજે ગમે ત્યાંથી તેને એક્સેસ કરો. યાહૂમાં એટલી તકલીફ છે કે તમારે એ ગીતને ફરી ડાઉનલોડ કરવું પડે. જ્યારે જીમેઇલમાં ઇનબિલ્ટ પ્લેયર છે એટલે ડાઉનલોડની જફામાં પડ્યા વિના, મન પડે ત્યારે ગીત સાંભળો.

આ એક રસ્તો થયો, બીજો રસ્તો છે ફાયરફોક્સમાં જીસ્પેસ નામનું એક એક્સટેન્શન ઇન્સ્ટોલ કરવાનો. ફાયરફોક્સના એડઓન્સની સાઇટ પર જઈને અથવા તો ફાયરફોક્સમાં ટૂલ્સમાં એડઓન્સ પર ક્લિક કરીને ગેટ એડઓન્સની સર્વિસનો લાભ લઈને આ જીસ્પેસ ઇન્સ્ટોલ કરી શકો છો. જીસ્પેસ એક મજાની કરામત છે. એ તમારા જીમેઇલના એકાઉન્ટને તમારી ગમે ત્યાંથી એક્સેસ કરી શકાય એવી ડ્રાઇવમાં ફેરવી નાખે છે.

જોકે એક વાતનું ખાસ ધ્યાન રાખજો, આ એક્સટેન્શન ગમે ત્યારે બંધ થઈ શકે છે એટલે તમારા કામકાજના, મૂળ એકાઉન્ટનો કે કામકાજની ફાઇલ્સ માટે જીસ્પેસનો ઉપયોગ કરશો નહીં. તમારે ફક્ત એટલું કરવાનું તમારી મ્યુઝિકની ફાઇલ્સ, વિડિયો, ફોટોગ્રાફ વગેરે માટે અલગ અલગ જીમેઇલનાં નવાં એકાઉન્ટ બનાવી લેવાનાં. ફાયરફોક્સમાં જીસ્પેસ ઇન્સ્ટોલ થઈ ગયા પછી તેનું પેજ તમે ટૂલ્સની વિન્ડોમાં જીસ્પેસના નવા બનેલા બટન પર ક્લિક કરીને ખોલી શકશો. આ પેજ પરથી તમારા જીમેઇલના - ધારો કે મ્યુઝિકના  એકાઉન્ટમાં લોગઇન થાઓ અને તમારા કમ્પ્યુટરમાં સ્ટોર કરેલાં ગીતો (દરેક ગીત ૨૦ એમબીથી ઓછી સાઇઝનું હોવું જોઇએ) વાયા જીસ્પેસ તમારા જીમેઇલના એકાઉન્ટમાં સ્ટોર કરી લો. અહીં જીમેઇલનું તમારું એકાઉન્ટ કમ્પ્યુટરમાં જેમ જુદાં જુદાં ફોલ્ડર દેખાય છે એવા જ ફોલ્ડરના વ્યૂમાં દેખાશે. એટલાં તમારાં ગીતો કે ફાઇલ્સને તમે ઇચ્છો એ રીતે ઓર્ગેનાઇઝ કરી શકશો. પછી તો, તમારા ઑફિસના કમ્પ્યુટરમાં પણ ફાયરફોક્સમાં જીસ્પેસ ઇન્સ્ટોલ કરીને ચાહો ત્યારે ગમે તે ગીત એક્સેસ કરો. પણ ફરી યાદ અપાવું, આ ગાજરની પીપૂડી જેવી વાત છે. વાગે ત્યાં સુધી વગાડી લેવાની. કારણ કે આ ચોખવટ જીસ્પેસની સાઇટ www.getgspace.com પર સ્પષ્ટ શબ્દોમાં આપવામાં આવી છે કે આ ગૂગલની સર્વિસ નથી અને ગૂગલ ઇચ્છે ત્યારે તમારું એકાઉન્ટ બંધ પણ કરી શકે છે.

ત્રીજો રસ્તો છે લાઇબોક્સ (www.libox.com) નામની સર્વિસનો ઉપયોગ કરવાનો. આ થોડો વધુ સોફિસ્ટિકેટેડ અને રિલાયેબલ ઉપાય છે. આ સર્વિસમાં, તમારે એકવાર તમારા મૂળ કમ્પ્યુટરમાં લાઇબોક્સનું સોફ્ટવેર ઇન્સ્ટોલ કરવાનું રહે છે અને તમારું ખાતું ખોલાવવાનું છે. પછી ઉપરની જેમ જ, તમારાં ગીતો, વિડિયોઝ, ઇમેજીસ વગેરે લાઇબોક્સની ઓનલાઇન એપ્લિકેશનમાં અપલોડ કરી દો. પછી ચાહો ત્યારે, ચાહો ત્યાંથી લાઇબોક્સની સાઇટ પર જઈને લોગઇન થાઓ અને તમારાં ગમતાં ગીતો સાંભળો. આ સર્વિસનો વધુ એક લાભ એ છે કે તમે અહીં તમારી કમ્યુટનિટી ડેવલપ કરી શકો છો. તમારા મિત્રો સાથે તમને ગમતાં ગીતો શેર કરો એટલે એમને પણ લાઇબોક્સમાં એકાઉન્ટ ખોલાવવાનું આમંત્રણ મળશે. પછી તો ચેટ સાથે ગીતોની ખરા અર્થમાં નેટચેટરમઝટ જમાવી શકો!

હવે આટલી ચર્ચા પછી એવો સવાલ થયો ખરો કે આવી રીતે જોઈતી ફાઇલ એક્સેસ કરવાના તો બીજા ઘણા બધા રસ્તા છે, આટલી ઝંઝટ શા માટે? જેમ કે, વર્ડ, પાવરપોઇન્ટ કે પ્રેઝન્ટેશનની ફાઇલ્સ તમે ગૂગલ ડોક્સમાં બહુ સહેલાઇથી સ્ટોર કરી શકો છો. બીજા પ્રોગ્રામ્સની ફાઇલ પણ અહીં સ્ટોર થઈ શકે છે, પણ થોડી વધુ જગ્યા રોકશે. ફોટોગ્રાફ માટે પિકાસા કે ફ્લિકર જેવી સર્વિસ છે જ.

એમપી૩ ફાઇલ્સ ઓનલાઇન એક્સેસ કરવાના રસ્તા થોડા ઓછા છે, પણ ૪ જીબીની પેનડ્રાઇવમાં સ્ટોર કરી લો તો ગમે ત્યારે ગમે ત્યાં કામે લગાડી શકો. જરાય અટપટો નહીં એવો સાવ સાદો ઉપાય. એટલે જ તો, લેખની શરૂઆતમાં જ ચોખવટ કરી છે કે આજે થોડી રમત કરીએ!

Sunday, October 10, 2010

સટાસટ સર્ફિંગ, એક પેજ પરથી

કામકાજ વધુ વ્યવસ્થિત કરવાનું, રોજનું કામ રોજેરોજ કરવાનું કે મિત્રો સાથે વધુ સંપર્કમાં રહેવાનું નક્કી કર્યું છે? ગુડ, નવા વર્ષનો આ ઉત્સાહ થોડા દિવસમાં ઓસરી જાય એવી સ્થિતિ ટાળવી હોય તો ઇન્ટરનેટ તમારી મદદમાં હાજર છે!
 
જૂના વાચકમિત્રોને યાદ હશે કે અગાઉ આપણે ગૂગલની આઇગૂગલ સર્વિસની વાત કરી હતી. નવા મિત્રોના લાભાર્થે આજે એની થોડી વધુ વાત કરીએ, જૂના મિત્રોનું હિત જાળવીને - કેમ કે એમાં કેટલીક નવી વાત પણ ઉમેરાઈ છે.
સાદા શબ્દોમાં, આઇગૂગલ ઇન્ટરનેટ પરનું તમારું હોમ છે. એનો લાભ લેવા માટે તમારી પાસે ગૂગલનું એકાઉન્ટ (ફરી સાદા શબ્દોમાં, જીમેઇલ એકાઉન્ટ) હોવું જરૂરી છે. છે? તો પહોંચો www.google.com/ig પર. આ પેજ ખરેખર તમારા ઘર જેવું છે. એને તમે ધારો એ રીતે સજાવી શકો છો - તમને ઉપયોગી લાગે કે મજા પડે એવી લાગે એવી નેટ પરની અનેક સર્વિસ તમે આ એક પેજ પર તાણી લાવી શકો છો. ઇન્ટરનેટ પર અલગ અલગ સાઇટ પર જઈને તમે જે કંઈ જુઓ કે કરો છો તેમાંનું ઘણું ખરું તમે આ એક જ પેજ પર, જુદાં જુદાં ખોખાં મૂકીને કરી શકશો.

જેમ કે એક ખૂણામાં તમારું જીમેઇલનું ખોખું મૂકી દો. મેઇલ જોઈ કે લખી શકશો અહીંથી જ. બાજુમાં તમારું કેલેન્ડર મૂકી દો. વચ્ચે વળી ક્વોટ ઓફ ધ ડે કે લવ ક્વોટ કે આઇન્સ્ટાઇનનો ક્વોટ કે કોમિક સ્ટ્રીપ મૂકો. વીડિયોનું એક બોક્સ મૂકો. ચાહો તો હોરોસ્કોપ મૂકીને રોજેરોજ રાશિફળ જુઓ. ફિટનેસ કે બ્યુટી ટીપ્સ મૂકો કે ગીતાસૂત્ર મૂકો. ડીક્શનરીનું ખોખું મૂકો ને બાજુમાં વિકિપિડિયાના આર્ટિકલ સર્ચ કરવાનું બોક્સ મૂકી દો. શેરબજારની ઉતરચઢ કે રેલ્વેનું પીએનઆર સ્ટેટસ જાણવાની સગવડ પણ ઉમેરી શકાય.

જુદી જુદી અનેક ન્યૂઝસાઇટ પર અપડેટ થતા સમાચાર પણ જાણો આ જ પેજ પર. રોજબરોજનાં કામની યાદી મૂકી દો એક ખૂણામાં. કમ્પ્યૂટર પર માથું પકાવીને થાક્યા હો તો બે ઘડી નાની-અમથી ગેમ રમવાની પણ જોગવાઈ કરી લો.

આ બધું જ એક પેજ પર? હાસ્તો. જો બધું એક પેજ પર સમાવવું મુશ્કેલ લાગે તો જુદાં જુદાં ટેબ મૂકી દો. ટેબનો બીજો પણ ફાયદો, એક ટેબ બનાવી તેને ન્યૂઝ નામ આપી દો ને દુનિયાભરની જુદી જુદી ન્યૂઝસાઇટ્સની હેડલાઇન્સ વાંચી લો એક સાથે. બીજા ટેબને ફન કે પાસટાઇમ નામ દઈ દો ને એના પર જાતભાતની ગેમ મૂકી દો.

નેટનો ઓછા સમયમાં વધુ લાભ લેવો હોય તો આ ખરેખર કામની ચીજ છે. એમાં હવે વળી સોશિયલ ગેજેટ્સ પણ ઉમેરાયાં છે. ટ્વીટર કે ફેસબુક કે ઓરકૂટ જેવું સોશિયલ નેટવર્કિંગ સીધું અહીંથી જ કરી શકાશે. તમે અને તમારા મિત્રો આઇગૂગલનો ઉપયોગ કરતા હો તો તમે તમારા આઇગૂગલ પેજ પરથી, એ સમયે નેટ પર તમારા બીજા મિત્રો શું કરે છે એ જાણી શકો, એમની સાથે ચેસ જેવી રમત પણ રમી શકો!

આઇગૂગલમાં ઉપર ડાબે ખૂણે ‘એડ સોશિયલ ગેજેટ્સ’ની લિંક છે, તેના પર ક્લિક કરતાં જે પેજ ખૂલે તેમાં ‘ટેક એ ટૂર’ પર ક્લિક કરીને તમે આ વિશે ઘણું બધું જાણી શકશો.

ભાષાને શું વળગે ગૂગલ?

ગૂગલની ટ્રાન્સલેશન સર્વિસનો પરચો તમને થયો છે? ક્યારેક કરી જોજો, પછી હસજો પણ ખરા, પણ આ સર્વિસને સાવ હસી ન નાખતા, કેમ કે...

થોડા સમય પહેલાં એક નેટસેવી મિત્રે એક રમતિયાળ ઇમેઇલ મોકલ્યો હતો. ટાઇટલ હતું  એન્જોય ધ બ્લન્ડર મેડ બાય ગૂગલ (માણો ગૂગલની ભૂલ)! ઇમેઇલમાં સાત પગલાં આપ્યાં હતાં  તમે પણ એને અનુસરી શકો છો. http://translate.google.com/ પેજ પર જાઓ. ટ્રાન્સલેટ ટેક્સ્ટ લખેલા બોક્સમાં ઈંગ્લિશમાં Aishwarya's mom is very nice લખો. પછી ગૂગલને કહો કે એ ઈંગ્લિશમાંથી સ્પેનિશમાં આ વાક્ય ટ્રાન્સલેટ કરી આપે. હવે આગળની વાત તમે સમજી ગયા હશો! સ્પેનિશમાં જે ભાષાંતર મળે તે ફરી ટ્રાન્સલેટ ટેક્સ્ટના બોક્સમાં મૂકીને તેને સ્પેનિશમાંથી ઈંગ્લિશમાં ટ્રાન્સલેટ કરી જુઓ - ઢેન્ટેડેન!

આ અનુવાદ અને ઢેન્ટેડેન પરથી યાદ આવ્યું, મારુતિની અલ્ટો કારના નવા કેમ્પેઇનની આ કેચલાઇનનો કોઈએ અફલાતૂન ગુજરાતી અનુવાદ કર્યો છે - જે શબ્દ માત્ર વાંચી નહીં, ટીવી એડમાં સાંભળી પણ શકાય છે, ફિલ્મી ગીતમાં વારંવાર સાંભળ્યો પણ છે એ ઢેન્ટેડેનનું ગુજરાતી થયું છે ધનતાનન કે એવું કંઈક! આવું ગુજરાતી કરનારે ગૂગલની ટ્રાન્સલેશન સર્વિસનો ઉપયોગ કર્યો હોવાની શક્યતા પણ નથી કેમ કે એમાં હજી ગુજરાતીમાં ભાષાંતરની સુવિધા ઉપલબ્ધ નથી.

તો મૂળ વાત છે ગૂગલની ટ્રાન્સલેશન સર્વિસની. મોટા ભાગે સૌના ધ્યાનમાં આ સર્વિસ આવી જ હશે, તમે ગૂગલના ટૂલબારનો ઉપયોગ કરતા હશો અને તેમાં ટ્રાન્સલેશનની સર્વિસ ઓન રાખી હશે તો ઈંગ્લિશ સિવાયની કોઈ ભાષાની વેબસાઇટ પર જતાં જ ઉપર ગૂગલનો ટ્રાન્સલેશન બાર ટપકી પડશે, જે તમને પૂછશે કે આ વેબપેજ કઈ ભાષામાં છે અને તમારે તેને બીજી કોઈ ભાષામાં ભાષાંતરિત કરવું છે? ગમ્મત ખાતર કોઈ પણ ઈંગ્લિશ વેબપેજને આ રીતે હિન્દીમાં ભાષાંતરિત કરી જોજો, ઐશ્વર્યાના કિસ્સામાં થાય છે એવા અનેક લોચા જોવા મળશે!
તો શું ગૂગલની ટ્રાન્સલેશન સર્વિસ આવી જ, સાવ લોચાલાપસીવાળી છે? જવાબ હા અને ના બંને છે. ઘણી બધી ભાષામાં આવા ભયંકર લોચા જોવા મળતા હશે, અને ઘણી ભાષામાં સારું એવું પ્રમાણભૂત ભાષાંતર જોવા મળતું હશે (અંદાજની ભાષામાં એટલા માટે લખવું પડે છે કે ઈંગ્લિશ, હિન્દી ને ગુજરાતીથી વધુ એક પણ ભાષા આ લખનારને આવડતી નથી).

પણ, આ આખી વાતમાં સૌથી રસપ્રદ સવાલ એ હોઈ શકે કે આખરે ગૂગલ આમ પાંપણના પલકારામાં ટ્રાન્સલેશન કરી કઈ રીતે આપે છે? ક્યારેક વર્ડનાં ૧૦૦૨૦૦ પાનાંની ફાઇલની ટેક્સ્ટ ગૂગલની ટ્રાન્સલેટ સર્વિસમાં નાખી જોજો. માણસને જે કામ કરતાં દિવસો લાગે એ કામ ગૂગલ મિનિટોમાં કરી આપે છે (ઓફકોર્સ, ઠીકઠીક લોચાલાપસી સાથે!) આવું કઈ રીતે શક્ય છે? એવી તે કેવી આ કરામત હશે? અત્યાર સુધી આ સવાલના આપણી પાસે અનુમાન જેવા જવાબો હતા, હવે ગૂગલની જ એક વિડિયો (http://translate.google.com/about/) પર એની સરસ સમજણ આપવામાં આવી છે. આખી વિડિયો તો તમે જોજો, અહીં થોડી ઝલકી આપી દઈએ... ગૂગલનાં કમ્પ્યૂટર્સ પહેલેથી વિવિધ ભાષામાં ભાષાંતરિત થયેલાં પુસ્તકો, યુએનની સાઇટ્સ અને બીજી અનેક સાઇટ પરનાં ભાષાંતરનો ગંજાવર ડેટાબેઝ તૈયાર કરે છે અને તેમાં બે જુદી જુદી ભાષામાં થયેલા ભાષાંતરની પેટર્ન તપાસે છે. આવું અબજો વખત થતું રહે છે. તમે એને કોઈ પણ નવું ટ્રાન્સલેશનનું કામ સોંપો એટલે કમ્પ્યુટર્સ એનો આ સતત વિસ્તરતો ડેટાબેઝ તપાસીને એમાં કોઈ સરખી પેટર્ન છે કે કેમ તે તપાસે છે. પછી, તાબડતોબ માગેલી ભાષામાં ભાષાંતર કરી આપે છે. જે ભાષામાં વધુ ને વધુ ભાષાંતરિત થયેલું કન્ટેન્ટ ગૂગલને મળ્યું છે તેમાં તેનું ટ્રાન્સલેશન ઠીક ઠીક સારી ગણાય એવી ગુણવત્તા સુધી પહોંચી ગયું છે, ગુજરાતીમાં આવું કન્ટેન્ટ તેને નહીંવત મળ્યું હશે એટલે એમાં અનુવાદ સેવા શરૂ થઈ નથી અને હિન્દીમાં નહીં જેવું જ મળ્યું હશે એટલે એમાં હજી ભયંકર લોચાનું રાજ છે!
છતાં, છેલ્લાં ચાર વર્ષમાં આ સેવા ઘણી સુધરી હોવાનું કહેવાય છે (જાત અનુભવ નથી!). આ સર્વિસને સાવ હસી નાખી શકાય એમ નથી, કેમ કે કદાચ ટેલિફોનની શોધ વખતે એવું કહેવાયું હતું કે ‘રમકડું સરસ છે, પણ આનો ઉપયોગ કોણ કરશે?’

Thursday, October 7, 2010

જીમેઇલ પર જામ્યો ગણગણાટ

સામાન્ય રીતે આપણી આ ‘સાયબરસફર’માં ગૂગલનો ઓવરડોઝ ન થઈ જાય એની શક્ય એટલી કાળજી લેવામાં આવે છે, પણ ગૂગલ સામે આ લખનારનું ગજું કેટલું? હજી ગયા અઠવાડિયે તો આપણે જીમેઇલનો કસ કાઢવાની વાત કરી, ત્યાં ગૂગલે જીમેઇલમાં ‘બઝ’ નામનો બોમ્બ ફોડ્યો. ટિ્વટર અને ફેસબુક જેવી અત્યારની હોટેસ્ટ સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ જેનાથી હલબલી જાય તેના વિશે લખ્યા વગર છૂટકો છે?

ઇમેઇલ જેમના જીવનમાં વણાઈ ગયેલ છે, પણ સોશિયલ નેટવર્કિંગમાં ઝંપલાવવા અંગે જે લોકો થોડા ઢચુપચુ છે એ સૌને જીમેઇલમાં ઉમેરાયેલી આ લેટેસ્ટ સર્વિસથી એકદમ નિરાંત થઈ જાય તેમ છે. ખરેખર તો, બઝનો સૌથી મોટો એડવાન્ટેજ જ એ માનવામાં આવે છે કે તે જીમેઇલમાં જ સામેલ છે.

જીમેઇલ વાપરનારા લોકોએ તો બઝ પર ગણગણાટ શરૂ કરી જ દીધો હશે, પણ આ આખી વાત જેમના માટે સાવ નવી છે એમના માટે થોડી ચોખવટ કરી લઈએ ઃ દુનિયામાં લોકો ઇન્ટરનેટનો ઉપયોગ - હવેના સમયમાં  મોટા ભાગે ત્રણ હેતુ માટે કરે છે ઃ એક તો, માહિતી મેળવવા માટે (જેના માટે સર્ચ એન્જિનનો ઉપયોગ થાય), બીજું, કામકાજ કે અન્ય હેતુ માટે કમ્યૂનિકેશન કરવા માટે (જેના માટે ઇમેઇલનો ઉપયોગ થાય) અને ત્રીજું, ગપ્પાંગોષ્ઠિથી માંડીને સિરિયસ ડિસ્કશન માટે એક સાથે અનેક લોકોના સંપર્કમાં રહેવા માટે (જેના માટે સોશિયલ નેટવર્કિંગનો ઉપયોગ થાય). ગૂગલે પહેલા બે હેતુ  સર્ચ અને ઇમેઇલ - ના કિસ્સામાં તો દુનિયા પર પોતાની ધાક જમાવી દીધી છે. સોશિયલ નેટવર્કિંગમાં ગૂગલનું ઓર્કૂટ ભારત અને બ્રાઝિલ સિવાય ખાસ જમાવટ કરી શક્યું નથી. બીજી બાજુ ફેસબુક અને ટિ્વટરની સોશિયલ નેટવર્કંિગ સાઇટ્સ જબરજસ્ત લોકપ્રિય બની છે. ગૂગલે ઓર્કૂટ ઉપરાંત સોશિયલ નેટવર્કિંગમાં અલગ અલગ રીતે હાથ અજમાવી જોયો અને હવે બઝની માસ્ટર ચાલ ચાલી છે.

હવે આ બઝ શું છે તે જાણીએ. જીમેઇલમાં સામેલ થયેલા બઝની મદદથી તમે હાલમાં શું કરો છો, શું વિચારો છો, કઈ સાઇટ જોઈ, કયો ફોટોગ્રાાફ કે વિડિયો લીધો વગેરે વગેરે વિશે એક સાથે અનેક લોકોને જણાવી શકો છો. આ ‘અનેક લોકો’ એટલે જીમેઇલના તમારા કોન્ટેક્ટ્સ. અહીં તમે બીજાને ફોલો કરી શકો અને બીજા તમને ફોલો કરી શકે. મતબલ કે તમે કંઈક નવી બઝ પોસ્ટ કરી, તો એ તમને ફોલો કરતા તમામ લોકોને દેખાશે, તેમ તમે જે લોકોને ફોલો કરતા હશો તેમણે મૂકેલી પોસ્ટ તમને દેખાશે. દરેક બઝ પર કમેન્ટ આપવાની, ગમ્યું કે નહીં એ જણાવવાની અને જે તે બઝ બીજાને ઇમેઇલ કરવા જેવી સગવડ છે. ટૂંકમાં, ગૂગલે ઓર્કૂટ, ફેસબુક, ટિ્વટર, વગેરે વગેરેની ભેળપૂરી તૈયાર કરીને જીમેઇલમાં પીરસી દીધી છે.

આ સર્વિસ લોન્ચ થયા પછી તેને જબરજસ્ત રિસ્પોન્સ મળ્યો. સાથોસાથ તમારા કોન્ટેક્ટ્સ જીમેઇલે દુનિયા સમક્ષ ખુલ્લા મૂકી દીધા હોવાથી પ્રાઇવસીનો હોબાળો પણ મચ્યો. ગૂગલે તેજ ગતિએ સુધારા કરીને પ્રાઇવસીની ચિંતા હળવી બનાવવાની કોશિશ કરી છે. હવે સોશિયલ નેટવર્કિંગની લોકોની આદતો બઝથી કેટલી બદલાશે તેની ચર્ચા ચાલી છે.

આખી વાતનો છેડો એ છે કે બઝને કારણે, ગૂગલને તમારા વિશે, તમારી પસંદનાપસંદ વિશે વધુને વધુ જાણકારી મળશે અને એનો સ્માર્ટલી કસ કાઢવામાં તો ગૂગલને કોણ પહોંચી શકે તેમ છે? હા, તમારે જીમેઇલને માત્ર મેઇલ સિસ્ટમ રહેવા દેવી હોય તો પેજના છેક નીચે બઝને બંધ કરવાનો ઓપ્શન છે!