Thursday, October 7, 2010

જીમેઇલ પર જામ્યો ગણગણાટ

સામાન્ય રીતે આપણી આ ‘સાયબરસફર’માં ગૂગલનો ઓવરડોઝ ન થઈ જાય એની શક્ય એટલી કાળજી લેવામાં આવે છે, પણ ગૂગલ સામે આ લખનારનું ગજું કેટલું? હજી ગયા અઠવાડિયે તો આપણે જીમેઇલનો કસ કાઢવાની વાત કરી, ત્યાં ગૂગલે જીમેઇલમાં ‘બઝ’ નામનો બોમ્બ ફોડ્યો. ટિ્વટર અને ફેસબુક જેવી અત્યારની હોટેસ્ટ સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ જેનાથી હલબલી જાય તેના વિશે લખ્યા વગર છૂટકો છે?

ઇમેઇલ જેમના જીવનમાં વણાઈ ગયેલ છે, પણ સોશિયલ નેટવર્કિંગમાં ઝંપલાવવા અંગે જે લોકો થોડા ઢચુપચુ છે એ સૌને જીમેઇલમાં ઉમેરાયેલી આ લેટેસ્ટ સર્વિસથી એકદમ નિરાંત થઈ જાય તેમ છે. ખરેખર તો, બઝનો સૌથી મોટો એડવાન્ટેજ જ એ માનવામાં આવે છે કે તે જીમેઇલમાં જ સામેલ છે.

જીમેઇલ વાપરનારા લોકોએ તો બઝ પર ગણગણાટ શરૂ કરી જ દીધો હશે, પણ આ આખી વાત જેમના માટે સાવ નવી છે એમના માટે થોડી ચોખવટ કરી લઈએ ઃ દુનિયામાં લોકો ઇન્ટરનેટનો ઉપયોગ - હવેના સમયમાં  મોટા ભાગે ત્રણ હેતુ માટે કરે છે ઃ એક તો, માહિતી મેળવવા માટે (જેના માટે સર્ચ એન્જિનનો ઉપયોગ થાય), બીજું, કામકાજ કે અન્ય હેતુ માટે કમ્યૂનિકેશન કરવા માટે (જેના માટે ઇમેઇલનો ઉપયોગ થાય) અને ત્રીજું, ગપ્પાંગોષ્ઠિથી માંડીને સિરિયસ ડિસ્કશન માટે એક સાથે અનેક લોકોના સંપર્કમાં રહેવા માટે (જેના માટે સોશિયલ નેટવર્કિંગનો ઉપયોગ થાય). ગૂગલે પહેલા બે હેતુ  સર્ચ અને ઇમેઇલ - ના કિસ્સામાં તો દુનિયા પર પોતાની ધાક જમાવી દીધી છે. સોશિયલ નેટવર્કિંગમાં ગૂગલનું ઓર્કૂટ ભારત અને બ્રાઝિલ સિવાય ખાસ જમાવટ કરી શક્યું નથી. બીજી બાજુ ફેસબુક અને ટિ્વટરની સોશિયલ નેટવર્કંિગ સાઇટ્સ જબરજસ્ત લોકપ્રિય બની છે. ગૂગલે ઓર્કૂટ ઉપરાંત સોશિયલ નેટવર્કિંગમાં અલગ અલગ રીતે હાથ અજમાવી જોયો અને હવે બઝની માસ્ટર ચાલ ચાલી છે.

હવે આ બઝ શું છે તે જાણીએ. જીમેઇલમાં સામેલ થયેલા બઝની મદદથી તમે હાલમાં શું કરો છો, શું વિચારો છો, કઈ સાઇટ જોઈ, કયો ફોટોગ્રાાફ કે વિડિયો લીધો વગેરે વગેરે વિશે એક સાથે અનેક લોકોને જણાવી શકો છો. આ ‘અનેક લોકો’ એટલે જીમેઇલના તમારા કોન્ટેક્ટ્સ. અહીં તમે બીજાને ફોલો કરી શકો અને બીજા તમને ફોલો કરી શકે. મતબલ કે તમે કંઈક નવી બઝ પોસ્ટ કરી, તો એ તમને ફોલો કરતા તમામ લોકોને દેખાશે, તેમ તમે જે લોકોને ફોલો કરતા હશો તેમણે મૂકેલી પોસ્ટ તમને દેખાશે. દરેક બઝ પર કમેન્ટ આપવાની, ગમ્યું કે નહીં એ જણાવવાની અને જે તે બઝ બીજાને ઇમેઇલ કરવા જેવી સગવડ છે. ટૂંકમાં, ગૂગલે ઓર્કૂટ, ફેસબુક, ટિ્વટર, વગેરે વગેરેની ભેળપૂરી તૈયાર કરીને જીમેઇલમાં પીરસી દીધી છે.

આ સર્વિસ લોન્ચ થયા પછી તેને જબરજસ્ત રિસ્પોન્સ મળ્યો. સાથોસાથ તમારા કોન્ટેક્ટ્સ જીમેઇલે દુનિયા સમક્ષ ખુલ્લા મૂકી દીધા હોવાથી પ્રાઇવસીનો હોબાળો પણ મચ્યો. ગૂગલે તેજ ગતિએ સુધારા કરીને પ્રાઇવસીની ચિંતા હળવી બનાવવાની કોશિશ કરી છે. હવે સોશિયલ નેટવર્કિંગની લોકોની આદતો બઝથી કેટલી બદલાશે તેની ચર્ચા ચાલી છે.

આખી વાતનો છેડો એ છે કે બઝને કારણે, ગૂગલને તમારા વિશે, તમારી પસંદનાપસંદ વિશે વધુને વધુ જાણકારી મળશે અને એનો સ્માર્ટલી કસ કાઢવામાં તો ગૂગલને કોણ પહોંચી શકે તેમ છે? હા, તમારે જીમેઇલને માત્ર મેઇલ સિસ્ટમ રહેવા દેવી હોય તો પેજના છેક નીચે બઝને બંધ કરવાનો ઓપ્શન છે!

No comments:

Post a Comment