Sunday, October 10, 2010

ભાષાને શું વળગે ગૂગલ?

ગૂગલની ટ્રાન્સલેશન સર્વિસનો પરચો તમને થયો છે? ક્યારેક કરી જોજો, પછી હસજો પણ ખરા, પણ આ સર્વિસને સાવ હસી ન નાખતા, કેમ કે...

થોડા સમય પહેલાં એક નેટસેવી મિત્રે એક રમતિયાળ ઇમેઇલ મોકલ્યો હતો. ટાઇટલ હતું  એન્જોય ધ બ્લન્ડર મેડ બાય ગૂગલ (માણો ગૂગલની ભૂલ)! ઇમેઇલમાં સાત પગલાં આપ્યાં હતાં  તમે પણ એને અનુસરી શકો છો. http://translate.google.com/ પેજ પર જાઓ. ટ્રાન્સલેટ ટેક્સ્ટ લખેલા બોક્સમાં ઈંગ્લિશમાં Aishwarya's mom is very nice લખો. પછી ગૂગલને કહો કે એ ઈંગ્લિશમાંથી સ્પેનિશમાં આ વાક્ય ટ્રાન્સલેટ કરી આપે. હવે આગળની વાત તમે સમજી ગયા હશો! સ્પેનિશમાં જે ભાષાંતર મળે તે ફરી ટ્રાન્સલેટ ટેક્સ્ટના બોક્સમાં મૂકીને તેને સ્પેનિશમાંથી ઈંગ્લિશમાં ટ્રાન્સલેટ કરી જુઓ - ઢેન્ટેડેન!

આ અનુવાદ અને ઢેન્ટેડેન પરથી યાદ આવ્યું, મારુતિની અલ્ટો કારના નવા કેમ્પેઇનની આ કેચલાઇનનો કોઈએ અફલાતૂન ગુજરાતી અનુવાદ કર્યો છે - જે શબ્દ માત્ર વાંચી નહીં, ટીવી એડમાં સાંભળી પણ શકાય છે, ફિલ્મી ગીતમાં વારંવાર સાંભળ્યો પણ છે એ ઢેન્ટેડેનનું ગુજરાતી થયું છે ધનતાનન કે એવું કંઈક! આવું ગુજરાતી કરનારે ગૂગલની ટ્રાન્સલેશન સર્વિસનો ઉપયોગ કર્યો હોવાની શક્યતા પણ નથી કેમ કે એમાં હજી ગુજરાતીમાં ભાષાંતરની સુવિધા ઉપલબ્ધ નથી.

તો મૂળ વાત છે ગૂગલની ટ્રાન્સલેશન સર્વિસની. મોટા ભાગે સૌના ધ્યાનમાં આ સર્વિસ આવી જ હશે, તમે ગૂગલના ટૂલબારનો ઉપયોગ કરતા હશો અને તેમાં ટ્રાન્સલેશનની સર્વિસ ઓન રાખી હશે તો ઈંગ્લિશ સિવાયની કોઈ ભાષાની વેબસાઇટ પર જતાં જ ઉપર ગૂગલનો ટ્રાન્સલેશન બાર ટપકી પડશે, જે તમને પૂછશે કે આ વેબપેજ કઈ ભાષામાં છે અને તમારે તેને બીજી કોઈ ભાષામાં ભાષાંતરિત કરવું છે? ગમ્મત ખાતર કોઈ પણ ઈંગ્લિશ વેબપેજને આ રીતે હિન્દીમાં ભાષાંતરિત કરી જોજો, ઐશ્વર્યાના કિસ્સામાં થાય છે એવા અનેક લોચા જોવા મળશે!
તો શું ગૂગલની ટ્રાન્સલેશન સર્વિસ આવી જ, સાવ લોચાલાપસીવાળી છે? જવાબ હા અને ના બંને છે. ઘણી બધી ભાષામાં આવા ભયંકર લોચા જોવા મળતા હશે, અને ઘણી ભાષામાં સારું એવું પ્રમાણભૂત ભાષાંતર જોવા મળતું હશે (અંદાજની ભાષામાં એટલા માટે લખવું પડે છે કે ઈંગ્લિશ, હિન્દી ને ગુજરાતીથી વધુ એક પણ ભાષા આ લખનારને આવડતી નથી).

પણ, આ આખી વાતમાં સૌથી રસપ્રદ સવાલ એ હોઈ શકે કે આખરે ગૂગલ આમ પાંપણના પલકારામાં ટ્રાન્સલેશન કરી કઈ રીતે આપે છે? ક્યારેક વર્ડનાં ૧૦૦૨૦૦ પાનાંની ફાઇલની ટેક્સ્ટ ગૂગલની ટ્રાન્સલેટ સર્વિસમાં નાખી જોજો. માણસને જે કામ કરતાં દિવસો લાગે એ કામ ગૂગલ મિનિટોમાં કરી આપે છે (ઓફકોર્સ, ઠીકઠીક લોચાલાપસી સાથે!) આવું કઈ રીતે શક્ય છે? એવી તે કેવી આ કરામત હશે? અત્યાર સુધી આ સવાલના આપણી પાસે અનુમાન જેવા જવાબો હતા, હવે ગૂગલની જ એક વિડિયો (http://translate.google.com/about/) પર એની સરસ સમજણ આપવામાં આવી છે. આખી વિડિયો તો તમે જોજો, અહીં થોડી ઝલકી આપી દઈએ... ગૂગલનાં કમ્પ્યૂટર્સ પહેલેથી વિવિધ ભાષામાં ભાષાંતરિત થયેલાં પુસ્તકો, યુએનની સાઇટ્સ અને બીજી અનેક સાઇટ પરનાં ભાષાંતરનો ગંજાવર ડેટાબેઝ તૈયાર કરે છે અને તેમાં બે જુદી જુદી ભાષામાં થયેલા ભાષાંતરની પેટર્ન તપાસે છે. આવું અબજો વખત થતું રહે છે. તમે એને કોઈ પણ નવું ટ્રાન્સલેશનનું કામ સોંપો એટલે કમ્પ્યુટર્સ એનો આ સતત વિસ્તરતો ડેટાબેઝ તપાસીને એમાં કોઈ સરખી પેટર્ન છે કે કેમ તે તપાસે છે. પછી, તાબડતોબ માગેલી ભાષામાં ભાષાંતર કરી આપે છે. જે ભાષામાં વધુ ને વધુ ભાષાંતરિત થયેલું કન્ટેન્ટ ગૂગલને મળ્યું છે તેમાં તેનું ટ્રાન્સલેશન ઠીક ઠીક સારી ગણાય એવી ગુણવત્તા સુધી પહોંચી ગયું છે, ગુજરાતીમાં આવું કન્ટેન્ટ તેને નહીંવત મળ્યું હશે એટલે એમાં અનુવાદ સેવા શરૂ થઈ નથી અને હિન્દીમાં નહીં જેવું જ મળ્યું હશે એટલે એમાં હજી ભયંકર લોચાનું રાજ છે!
છતાં, છેલ્લાં ચાર વર્ષમાં આ સેવા ઘણી સુધરી હોવાનું કહેવાય છે (જાત અનુભવ નથી!). આ સર્વિસને સાવ હસી નાખી શકાય એમ નથી, કેમ કે કદાચ ટેલિફોનની શોધ વખતે એવું કહેવાયું હતું કે ‘રમકડું સરસ છે, પણ આનો ઉપયોગ કોણ કરશે?’

No comments:

Post a Comment