Thursday, October 14, 2010

ગમતાં ગીતો એક્સેસ કરો ઓનલાઇન

તમારા કમ્પ્યુટરમાં ગીતોનું મસ્ત કલેક્શન બનાવો અને પછી એને એક્સેસ કરો ગમે ત્યાંથી, મન થાય ત્યારે.

આજે થોડી રમત કરીએ! ધારો કે તમે ઑફિસમાં કમ્પ્યુટર સામે બેઠા છો અને ઘરના કમ્પ્યુટરમાં સ્ટોર કરેલું કોઈ મસ્ત મજાનું ગીત સાંભળવાનું મન થઈ આવ્યું. તો?

આમ તો, આ સ્થિતિમાં બેત્રણ રીતે તમે તમારી ઇચ્છા પૂરી શકો છો. અલબત્ત, થોડી આગોતરી તૈયારી જોઈએ. પહેલો, સાવ સાદો ઉપાય એ છે કે ઘરેથી તમારા યાહૂ કે જીમેઇલના એકાઉન્ટમાં તમને ગમતાં ગીતો અપલોડ કરી દો. પછી ઑફિસમાં કે બીજે ગમે ત્યાંથી તેને એક્સેસ કરો. યાહૂમાં એટલી તકલીફ છે કે તમારે એ ગીતને ફરી ડાઉનલોડ કરવું પડે. જ્યારે જીમેઇલમાં ઇનબિલ્ટ પ્લેયર છે એટલે ડાઉનલોડની જફામાં પડ્યા વિના, મન પડે ત્યારે ગીત સાંભળો.

આ એક રસ્તો થયો, બીજો રસ્તો છે ફાયરફોક્સમાં જીસ્પેસ નામનું એક એક્સટેન્શન ઇન્સ્ટોલ કરવાનો. ફાયરફોક્સના એડઓન્સની સાઇટ પર જઈને અથવા તો ફાયરફોક્સમાં ટૂલ્સમાં એડઓન્સ પર ક્લિક કરીને ગેટ એડઓન્સની સર્વિસનો લાભ લઈને આ જીસ્પેસ ઇન્સ્ટોલ કરી શકો છો. જીસ્પેસ એક મજાની કરામત છે. એ તમારા જીમેઇલના એકાઉન્ટને તમારી ગમે ત્યાંથી એક્સેસ કરી શકાય એવી ડ્રાઇવમાં ફેરવી નાખે છે.

જોકે એક વાતનું ખાસ ધ્યાન રાખજો, આ એક્સટેન્શન ગમે ત્યારે બંધ થઈ શકે છે એટલે તમારા કામકાજના, મૂળ એકાઉન્ટનો કે કામકાજની ફાઇલ્સ માટે જીસ્પેસનો ઉપયોગ કરશો નહીં. તમારે ફક્ત એટલું કરવાનું તમારી મ્યુઝિકની ફાઇલ્સ, વિડિયો, ફોટોગ્રાફ વગેરે માટે અલગ અલગ જીમેઇલનાં નવાં એકાઉન્ટ બનાવી લેવાનાં. ફાયરફોક્સમાં જીસ્પેસ ઇન્સ્ટોલ થઈ ગયા પછી તેનું પેજ તમે ટૂલ્સની વિન્ડોમાં જીસ્પેસના નવા બનેલા બટન પર ક્લિક કરીને ખોલી શકશો. આ પેજ પરથી તમારા જીમેઇલના - ધારો કે મ્યુઝિકના  એકાઉન્ટમાં લોગઇન થાઓ અને તમારા કમ્પ્યુટરમાં સ્ટોર કરેલાં ગીતો (દરેક ગીત ૨૦ એમબીથી ઓછી સાઇઝનું હોવું જોઇએ) વાયા જીસ્પેસ તમારા જીમેઇલના એકાઉન્ટમાં સ્ટોર કરી લો. અહીં જીમેઇલનું તમારું એકાઉન્ટ કમ્પ્યુટરમાં જેમ જુદાં જુદાં ફોલ્ડર દેખાય છે એવા જ ફોલ્ડરના વ્યૂમાં દેખાશે. એટલાં તમારાં ગીતો કે ફાઇલ્સને તમે ઇચ્છો એ રીતે ઓર્ગેનાઇઝ કરી શકશો. પછી તો, તમારા ઑફિસના કમ્પ્યુટરમાં પણ ફાયરફોક્સમાં જીસ્પેસ ઇન્સ્ટોલ કરીને ચાહો ત્યારે ગમે તે ગીત એક્સેસ કરો. પણ ફરી યાદ અપાવું, આ ગાજરની પીપૂડી જેવી વાત છે. વાગે ત્યાં સુધી વગાડી લેવાની. કારણ કે આ ચોખવટ જીસ્પેસની સાઇટ www.getgspace.com પર સ્પષ્ટ શબ્દોમાં આપવામાં આવી છે કે આ ગૂગલની સર્વિસ નથી અને ગૂગલ ઇચ્છે ત્યારે તમારું એકાઉન્ટ બંધ પણ કરી શકે છે.

ત્રીજો રસ્તો છે લાઇબોક્સ (www.libox.com) નામની સર્વિસનો ઉપયોગ કરવાનો. આ થોડો વધુ સોફિસ્ટિકેટેડ અને રિલાયેબલ ઉપાય છે. આ સર્વિસમાં, તમારે એકવાર તમારા મૂળ કમ્પ્યુટરમાં લાઇબોક્સનું સોફ્ટવેર ઇન્સ્ટોલ કરવાનું રહે છે અને તમારું ખાતું ખોલાવવાનું છે. પછી ઉપરની જેમ જ, તમારાં ગીતો, વિડિયોઝ, ઇમેજીસ વગેરે લાઇબોક્સની ઓનલાઇન એપ્લિકેશનમાં અપલોડ કરી દો. પછી ચાહો ત્યારે, ચાહો ત્યાંથી લાઇબોક્સની સાઇટ પર જઈને લોગઇન થાઓ અને તમારાં ગમતાં ગીતો સાંભળો. આ સર્વિસનો વધુ એક લાભ એ છે કે તમે અહીં તમારી કમ્યુટનિટી ડેવલપ કરી શકો છો. તમારા મિત્રો સાથે તમને ગમતાં ગીતો શેર કરો એટલે એમને પણ લાઇબોક્સમાં એકાઉન્ટ ખોલાવવાનું આમંત્રણ મળશે. પછી તો ચેટ સાથે ગીતોની ખરા અર્થમાં નેટચેટરમઝટ જમાવી શકો!

હવે આટલી ચર્ચા પછી એવો સવાલ થયો ખરો કે આવી રીતે જોઈતી ફાઇલ એક્સેસ કરવાના તો બીજા ઘણા બધા રસ્તા છે, આટલી ઝંઝટ શા માટે? જેમ કે, વર્ડ, પાવરપોઇન્ટ કે પ્રેઝન્ટેશનની ફાઇલ્સ તમે ગૂગલ ડોક્સમાં બહુ સહેલાઇથી સ્ટોર કરી શકો છો. બીજા પ્રોગ્રામ્સની ફાઇલ પણ અહીં સ્ટોર થઈ શકે છે, પણ થોડી વધુ જગ્યા રોકશે. ફોટોગ્રાફ માટે પિકાસા કે ફ્લિકર જેવી સર્વિસ છે જ.

એમપી૩ ફાઇલ્સ ઓનલાઇન એક્સેસ કરવાના રસ્તા થોડા ઓછા છે, પણ ૪ જીબીની પેનડ્રાઇવમાં સ્ટોર કરી લો તો ગમે ત્યારે ગમે ત્યાં કામે લગાડી શકો. જરાય અટપટો નહીં એવો સાવ સાદો ઉપાય. એટલે જ તો, લેખની શરૂઆતમાં જ ચોખવટ કરી છે કે આજે થોડી રમત કરીએ!

No comments:

Post a Comment