Thursday, November 25, 2010

એક અબજ લોકોનો અવાજ, ઇન્ટરનેટ પર!

સાયબરસફર'માં આપણે આપણને વ્યક્તિગત રીતે ઉપયોગી સર્વિસીઝ વિશે તો વારંવાર જાણીએ છીએ, આજે દેશની સેવા માટે પણ ઇન્ટરનેટનો કેવો સરસ ઉપયોગ થઈ શકે એ જાણીએ.

થોડા સમય પહેલાં, હિન્દુસ્તાન એરોનૉટિક્સ લિમિટેડનું કોર્પોરેટ કોમ્યુનિકેશન સંભાળનારા કેટલાક લોકો આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. કલાકમને મળવા ગયા હતા. નસીબજોગે, ડૉ. કલામ થોડી જ વાર પહેલાં એક ટીવી ઇન્ટરવ્યૂમાંથી પરત ફર્યા હતા.

સામે મીડિયા સાથે ઘરોબો ધરાવતા લોકો બેઠા છે એવો અંદાજ આવતાં જ ડૉ. કલામ વરસી પડ્યા, ‘આપણાં અખબારો ખરેખરી સફળવાની વાતોને કેમ પ્રકાશમાં લાવતાં નથી? અજાણી પ્રતિભાઓને આપણે આગળ કેમ કરી શકતા નથી? રાજકારણ, ગુનાખોરી, જાતિવાદ... આ બધું ક્યાં સુધી?'' સામે બેઠેલા લોકોએ ડૉ. કલામને સૂચન કર્યું, ‘‘તો આપણે આપની પસંદનું અખબાર શરૂ ન કરી શકીએ?'' ડૉ. કલામે તરત દોર પકડી લીધો.

કહ્યું, ‘‘ફૅન્ટાસ્ટિક, વેબપેપર થઈ શકે. ચોક્કસ!'' અને એ રીતે જન્મ થયો, ડૉ. કલામના સ્વપ્નના ભારતનો મજબૂત પાયો તૈયાર કરનારા લોકોને વિશ્વ સમક્ષ મૂકતા ઇ-પેપર બિલિયન બીટ્સ'નો. એક અબજ લોકોનો અવાજ, ઇન્ટરનેટ પર!

એનો પહેલો અંક હતો માત્ર એક પાનાનો! ડૉ. કલામને ભારતના લોકોની શક્તિમાં વિશ્ર્વાસ છે એનું આ સ્પષ્ટ ઉદાહરણ. બીજું કોઈ અખબાર શરૂ લૉન્ચ થવાનું હોય તો પહેલાં મોટા પાયે સર્વે થાય, શું વેચાશે, એના અંદાજ મુકાય, પ્રોજેક્ટ રિપોટ્ર્સ તૈયાર થાય, એનાલિસિસ થાય અને પછી વાત આગળ વધે..

અહીં તો વિચાર રજૂ થયો અને ફક્ત એક પાનાથી એનો પ્રારંભ કરી દેવામાં આવ્યો. લોકો જ એને આગળ વધારશે એવા વિશ્ર્વાસથી. ડૉ. કલામે આશા બતાવી છે કે ‘‘બિલિયન બીટ્સ છૂટાછવાયા કૌશલ્યને એક સૂત્રે પરોવશે.''

અને ખરેખર, ‘બિલિયન બીટ્સ'ના અંકો પર નજર ફેરવીએ તો સામાન્ય રીતે જેમની અને જે પ્રકારની વાતો અખબારોમાં વાંચવા નથી મળતી, એવા અજાણ્યા લોકોની અજાણી વાતો અહીં વાંચવા મળે છે. એવા લોકોની એવી વાત, જે ભારતને તે આજે છે ત્યાંથી આગળ લઈ જવા સક્ષમ હોય. ક્યાંય નિરાશાનો કોઈ સૂર નહીં.

બિલિયન બીટ્સ'ના બીજા અંકમાં લખાયું છે કે પહેલો અંક નેટ પર મૂકાયા પછી એના તંત્રીઓ પર ભારતીયોએ ઇ-મેઇલનો ધોધ વરસાવ્યો છે (બિલિયન બીટ્સ'ના તંત્રીઓ પર આપણે ભરોસો મૂકી શકીએ!) પ્રશંસા, વેદના, મીડિયાની ટીકા, ભ્રષ્ટ રાજકારણ સામેનો આક્રોશ, અપેક્ષા, સૂચન... અનેક પ્રકારના ઇમેઇલ ઠલવાયા છે બિલિયન બીટ્સના ઇનબોક્સમાં, સક્ષમ ભારતના ભાવિની આશાએ.

ઇ-પેપરની કૅચલાઇન પણ એ જ છે : ઇટ્સ પોસિબલ! બધું જ શક્ય છે! અત્યાર સુધીમાં બિલિયન બીટ્સ'ના સાત અંક તૈયાર થયા છે. તમને પણ જરા જુદા પ્રકારના વાંચનમાં રસ હોય તો પહોંચો ડૉ. કલામની સાઇટ www.abdulkalam.com પર. અહીં ડૉ. કલામ વિશે બીજું પણ ઘણું ઘણું જાણવા મળશે.

No comments:

Post a Comment